જ્યારે પણ હવામાન બદલાય છે, ત્યારે તે ગરમી કે ઠંડીમાંથી રાહત તો લાવે છે, પણ તેની સાથે કેટલાક વાયરસ અને બેક્ટેરિયા પણ સક્રિય થઈ જાય છે. પરિણામે ખાંસી, તાવ, એલર્જી જેવી સમસ્યાઓ વધી શકે છે. તેથી, આવા સમયમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જરૂરી છે.
નારંગી વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે શરીરમાં શ્વેત રક્તકણો ની સંખ્યા વધારવામાં મદદરૂપ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઠંડી કે ફલૂ જેવી બીમારીઓથી બચાવે છે.
હળદરના કરક્યુમિન તત્વમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોય છે. તે શરીરને ઇન્ફ્લેમેશનથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં કુદરતી વધારો કરે છે.
એલચીમાં વિટામિન C, વિટામિન B6, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ઝીંક જેવા તત્ત્વો હોય છે. આ બધા તત્વો મળીને શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને ઈમ્યુન સિસ્ટમને બળ આપે છે.
લસણમાં એલિસિન નામક તત્ત્વ હોય છે, જે એન્ટીઑકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ તરીકે કાર્ય કરે છે. રોજના આહારમાં થોડી માત્રામાં લસણનો સમાવેશ કરવાથી શરીરનું રક્ષણ તંત્ર વધુ કાર્યક્ષમ બને છે.
બદામમાં વિટામિન E, આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે સાથે મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
આ બધા ખોરાક ફાયદાકારક છે, પરંતુ તેમને મર્યાદિત માત્રામાં જ લેવાં જોઈએ. વધુ પડતું ખાવાથી પાચનતંત્ર પર ભાર આવી શકે છે અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે.
આ લેખમાં આપેલી માહિતી સામાન્ય સ્વાસ્થ્ય માર્ગદર્શન માટે છે. કોઈ પણ ખાસ તબીબી સ્થિતિમાં, તમારા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.