ચોખાનો લોટ 1 વાટકી,પાણી 2.5 થી 3 વાટકી,જીરું, અજમો, મીઠું (સ્વાદ મુજબ),બારીક સમારેલા લીલા મરચા અને કોથમીર,સીંગતેલ અને આચાર મસાલો.
સૌથી પહેલા એક જાડા તળિયાવાળા વાસણમાં 3 વાટકી જેટલું પાણી લો અને તેને ગેસ પર મધ્યમ આંચે ગરમ કરવા મૂકો.
પાણી સહેજ ગરમ થાય એટલે તેમાં જીરું,અજમો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. અજમાને હાથથી મસળીને નાખશો તો સુગંધ સરસ આવશે.
હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા અને એક ચમચી જેટલું તેલ ઉમેરો. તેલ નાખવાથી ખીચું ચીકણું નહીં થાય અને સોફ્ટ બનશે.
બધી સામગ્રી નાખ્યા પછી પાણીને બરાબર ઉકળવા દો. પાણીનો રંગ સહેજ બદલાય અને મસાલાની સુગંધ બેસી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
પાણી ઉકળી જાય એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી નાખો. હવે એક હાથથી ચોખાનો લોટ ધીમે-ધીમે ઉમેરતા જાઓ અને બીજા હાથે વેલણની મદદથી સતત હલાવતા રહો.
ખીચું હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં લોટની ગાંઠો (lumps) ન રહી જાય. વેલણથી ગોળ-ગોળ ફેરવીને ખીચું એકરસ કરી લો.
જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે તપેલી પર ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ માટે ધીમા તાપે વરાળમાં ચઢવા દો. આનાથી ખીચું એકદમ સોફ્ટ અને લારી જેવું બનશે.
તૈયાર છે ટેસ્ટી ખીચું! તેને પ્લેટમાં કાઢી ઉપરથી પુષ્કળ સીંગતેલ,આચાર મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.