ભાખરી એ એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. ઘઉંના જાડા લોટમાંથી બનતી આ ભાખરી ચા, અથાણાં અથવા રસાવાળી સબ્જી સાથે ખાવાની મજા બમણી કરે છે. ખાસ કરીને સવારના નાસ્તા અથવા સાંજના ભોજન માટે આ એક લોકપ્રિય પસંદગી છે.
ઘઉંનો જાડો લોટ, ઘી, પાણી, મોણ માટે તેલ અને સ્વાદ અનુસાર મીઠું
સૌથી પહેલા ઘઉંનો જાડો લોટ ચારણી વડે ચાળી લો.
લોટમાં મોણ માટે 1 થી 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો, પાણી ઉમેરી કડક લોટ બાંધો પછી લોટને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી રાખો જેથી તે સેટ થાય.
તૈયાર લોટમાંથી મધ્યમ સાઇઝના ભાગ લો. તેને જાડી ભાખરી તરીકે વણી લો ,બહુ પાતળી નહીં, નહીંતર કરકરી પણું ઘટી શકે.
ત્યારબાદ ગેસ પર માટીની તાવડી ગરમ કરો . ભાખરીને તાવડી પર મૂકી ધીમા તાપે શેકો, બંને બાજુ સમાન રીતે શેકો જ્યાં સુધી ભાખરી હળવી બ્રાઉન રંગની અને કરકરી ન બને.
શેકાઇ ગયેલી ભાખરી પર ઘી લગાવો આથી તેનો સ્વાદ અને સુગંધ બંને વધે છે.
કરકરી ભાખરીને ગરમ ગરમ ચા, અથાણાં અથવા રસાવાળી સબ્જી સાથે પીરસો, દરેક કોળિયો તમને ઘરેલું સ્વાદ અને પરંપરાગત ગુજરાતી ખુશ્બૂની યાદ અપાવશે.
વધુ વાનગીની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.