બટાકા, ડુંગળી કે મેથીના ગોટા તો આપણે વારંવાર બનાવીએ છીએ, પરંતુ ડાકોરના ગોટા એટલે એક અનોખો સ્વાદ ,તીખાશ, મીઠાશ અને કરકરાપણુંનો પરફેક્ટ મિશ્રણ!
ચણાનો ઝીણો લોટ – 2 કપ, ચણાનો કરકરો લોટ – ½ કપ, ઘઉંનો કરકરો લોટ – ½ કપ, દહીં – ½ કપ, લીલા મરચાની પેસ્ટ – 2 ટીસ્પૂન, આદુની પેસ્ટ – ½ ટીસ્પૂન, તેલ – 2 ટીસ્પૂન (મોઈ માટે) + તળવા માટે અલગથી, ખાંડ – 2 ચમચી, લાલ મરચું પાઉડર – સ્વાદ પ્રમાણે, મીઠું – સ્વાદ પ્રમાણે, મરી પાઉડર – સ્વાદ પ્રમાણે, હળદર – ¼ ટીસ્પૂન, હીંગ – ચપટી, આખા ધાણા – 1 ટીસ્પૂન, વાટેલા અધકચરા મરી – 1 ટીસ્પૂન, લીલા ધાણા – 2 ચમચી (બારીક સમારેલા), સોડા – ચપટી
ઘઉંના કરકરા લોટમાં બે ચમચી તેલ ઉમેરી મોઈ લો. ત્યારબાદ ચણાનો ઝીણો લોટ, ચણાનો કરકરો લોટ અને ઘઉંનો મોઈ કરેલો લોટ મિક્સ કરો.
આ લોટના મિશ્રણમાં દહીં, આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, મસાલા અને લગભગ બે કપ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો, આ ખીરાને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો જેથી તે ફૂલી જાય.
ખીરામાં આખા ધાણા, વાટેલા મરી, લીલા ધાણા, ચપટી સોડા અને બે ચમચી ગરમ તેલ ઉમેરી બરાબર ફીણી લો.
મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. ખીરામાંથી નાના નાના ગોટા તેલમાં નાખો અને સુવર્ણ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.
ગરમા ગરમ ડાકોરના કરકરા ગોટાને દહીં અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.