ટામેટા,ઝીણી સેવ અથવા ગાંઠિયાનો ભૂકો,સીંગદાણાનો ભૂકો, કોપરું (છીણેલું),લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને થોડી ખાંડ,તેલ, જીરું, હિંગ, આદુ-મરચાની પેસ્ટ અને લીલા ધાણા.
સૌ પ્રથમ ટામેટાને ધોઈને કોરા કરી લો. ટામેટાના ઉપરના ભાગેથી નાનું કાપડું કાઢી, ચમચીની મદદથી અંદરનો ગર (પલ્પ) કાઢી લો. આ ગર ફેંકવો નહીં, તે ગ્રેવીમાં કામ લાગશે.
એક વાટકામાં સેવનો ભૂકો, સીંગદાણાનો ભૂકો, કોપરું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને થોડી ખાંડ મિક્સ કરો. તેમાં એક ચમચી તેલ નાખી બરાબર હલાવો જેથી મસાલો એકરસ થઈ જાય.
તૈયાર કરેલા મસાલાને ખાલી કરેલા ટામેટામાં દબાવીને ભરી દો. બધા જ ટામેટા આ રીતે તૈયાર કરી લો. જો થોડો મસાલો વધે તો તેને સાઈડમાં રાખો, તે ગ્રેવીમાં ઉમેરી શકાય.
એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો. ત્યારબાદ આદુ-મરચાની પેસ્ટ અને ટામેટાનો જે ગર કાઢ્યો હતો તે ઉમેરીને 2 મિનિટ સાંતળો.
હવે તૈયાર કરેલા ભરેલા ટામેટાને કડાઈમાં ગોઠવો. વધેલો મસાલો ઉપરથી છાંટી દો. અડધો કપ જેટલું પાણી ઉમેરી, ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5-7 મિનિટ સુધી ચઢવા દો. ટામેટા નરમ થાય ત્યાં સુધી રાંધો.
શાક બરાબર ચઢી જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો. ઉપરથી પુષ્કળ લીલા ધાણા ભભરાવો.
આ ગરમાગરમ ભરેલા ટામેટાનું શાક પરોઠા, રોટલી કે બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.