દૂધ આપણા દૈનિક આહારનો અગત્યનો ભાગ છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આજકાલ બજારમાં મળતું દૂધ ખરેખર શુદ્ધ છે કે તેમાં કોઈ ભેળસેળ છે ,એ જાણી લેવું જરૂરી બની ગયું છે.ચાલો જાણીએ દૂધ અસલી છે કે નકલી.
શુદ્ધ દૂધ ચમકદાર સફેદ હોય છે, જ્યારે નકલી દૂધ થોડીક પીળી ઝલક ધરાવતું હલ્કુ અથવા ભૂરા રંગનું દેખાય છે. જો દૂધમાં અસમાન રંગ દેખાય તો સમજો કે તેમાં ભેળસેળ થઈ છે.
અસલી દૂધ ધીમે ધીમે ખરાબ થાય છે અને લાંબો સમય ટકે છે. પરંતુ નકલી દૂધ ખૂબ જ ઝડપથી ફાટી જાય છે, ભલે તેને ઉકાળેલું હોય. આ રીતે પણ તમે શુદ્ધતા ચકાસી શકો છો.
એક લિટર દૂધમાંથી સામાન્ય રીતે 200 થી 320 ગ્રામ સુધી માવો બનવો જોઈએ. જો માવો તેની કરતાં ઓછો મળે, તો દૂધમાં ભેળસેળ છે એવું સમજો.
દૂધ ઉકાળ્યા પછી તેની ઉપર મોટી અને જાડી મલાઈની પરત બને છે. જો મલાઈ ઓછી બને કે બિલકુલ ન બને, તો દૂધમાં પાણી કે અન્ય દ્રવની ભેળસેળ થઈ હોઈ શકે છે.
શુદ્ધ દૂધ ઉકાળ્યા પછી વાસણની ધાર પર જાડી ચરબીની પરત ચોંટે છે. જ્યારે ભેળસેળયુક્ત દૂધમાં એવી ચરબીની લેયર ઓછી બને છે અને સ્વાદ પણ ફીકો લાગે છે.
દૂધની શુદ્ધતા તપાસવી મુશ્કેલ નથી. થોડા ઘરેલુ ઉપાયો અપનાવી તમે ખાતરી કરી શકો છો કે જે દૂધ તમે પી રહ્યા છો તે ખરેખર શુદ્ધ છે કે નહીં.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.