ઘઉંના લોટની ક્રિસ્પી ફરસી પુરી બનાવવાની રીત


By Dimpal Goyal19, Mar 2026 12:35 PMgujaratijagran.com

સામગ્રી

ઘઉંનો લોટ અને રવો,લાલ મરચું, હળદર, મીઠું, જીરું અને અજમો,તેલ (મોણ માટે અને તળવા માટે),પાણી

લોટ અને રવાનું મિશ્રણ

એક મોટી કથરોટમાં ઘઉંનો લોટ અને રવો લો. તેને વ્યવસ્થિત રીતે ચાળી લેવો જેથી લોટમાં કોઈ ગઠ્ઠા ન રહે અને પૂરી એકદમ સરસ બને.

મસાલાનું મિશ્રણ

ચાળેલા લોટમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, જીરું અને અજમો ઉમેરો. અજમાને હાથથી મસળીને નાખવાથી તેની સુગંધ ખૂબ જ સરસ આવશે.

તેલનું મોણ આપવું

હવે તેમાં જરૂર મુજબ તેલનું મોણ નાખો. લોટને તેલ સાથે બરાબર મિક્સ કરો. મોણ એટલું હોવું જોઈએ કે લોટની મુઠ્ઠી વળે, તેનાથી પૂરી એકદમ ફરસી અને કુરકુરી બનશે.

લોટ બાંધવાની રીત

થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. ફરસી પૂરી માટે લોટ બહુ ઢીલો ન રાખવો, થોડો કઠણ રાખવો જેથી વણવામાં અને તળવામાં સરળતા રહે.

લોટને આરામ આપવો

બાંધેલા લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે બાજુ પર મૂકી દો. રવો હોવાથી લોટ થોડો ફૂલશે અને સેટ થઈ જશે, જેના કારણે પૂરી વધારે ક્રિસ્પી બનશે.

પૂરી વણવી

લોટમાંથી નાના લુઆ બનાવી મધ્યમ જાડાઈની પૂરી વણી લો. પૂરી ફૂલે નહીં તે માટે તમે કાંટા ચમચી (fork) થી તેમાં નાના કાણાં પણ પાડી શકો છો.

ગોલ્ડન બ્રાઉન તળવી

કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પૂરીને ધીમાથી મધ્યમ તાપે તળો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવી.

સ્ટોરેજ અને સર્વિંગ

તૈયાર થયેલી પૂરીને ઠંડી થવા દો. આ પૂરીને તમે ગરમાગરમ ચા સાથે નાસ્તામાં આપી શકો છો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરીને ઘણા દિવસો સુધી તાજી રાખી શકો છો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગરમીમાં ઠંડક આપતું ટેસ્ટી શીખંડ ઘરે જ બનાવવાની રીત