ઘણાં લોકો ટેન્શનમાં કે પછી નવરા પડે તે સાથે જ આંગળા મોંઢામાં નાંખીને નખ ચાવવાની આદત હોય છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે, તેમની આ આદત સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક નીવડી શકે છે. તો ચાલો નખ ચાવવાની આદતથી સ્વાસ્થ્યને થતાં ગંભીર નુકસાન વિશે જાણીએ..
નખની નીચે અનેક પ્રકારના બેક્ટેરિયા અને ગંદકી જમા રહે છે. જ્યારે તમે નખ ચાવો છો, ત્યારે આ બેક્ટેરિયા સીધા મોંમાં જાય છે, જેનાથી ચેપ લાગી શકે છે.
નખની સાથે અંદર જતા જંતુઓ આંતરડાને અસર કરી શકે છે. આના કારણે ઊલટી, ઝાડા અથવા ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નખ ચાવવાથી બેક્ટેરિયા દાંત અને પેઢા સુધી પહોંચી જાય છે. તેનાથી માઉથ ઇન્ફેક્શન, બદબૂદાર શ્વાસ અને પેઢામાં સોજો જેવી તકલીફો થઈ શકે છે.
સતત નખ ચાવવાથી તેનો કુદરતી આકાર બગડી જાય છે. નખ નબળા, તૂટી શકે તેવા અને અસમાન બની જાય છે, જેનાથી હાથની સુંદરતા પણ ઓછી થાય છે.
વારંવાર નખ ચાવવાથી દાંત પર દબાણ આવે છે. આનાથી દાંતનું ઇનેમલ ઘસાઈ શકે છે અને લાંબા ગાળે દાંત નબળા કે વાંકાચૂકા થઈ શકે છે.
સતત નખ ચાવવાથી આસપાસની ત્વચા છોલાઈ જાય છે. તેનાથી લાલાશ, દુખાવો અને ક્યારેક-ક્યારેક પરુ પણ થઈ શકે છે.
નખ ચાવવાની આદત ઘણીવાર માનસિક તણાવ કે એન્ઝાયટીનો સંકેત હોય છે. આ આદત ધીમે ધીમે એક મનોવૈજ્ઞાનિક સમસ્યાનું રૂપ લઈ શકે છે.