Vadodara: શહેરના માંજલપુર વિસ્તારમાં 13 વર્ષીય સગીરા પર તેની જ બહેનપણીના ભાઈએ દુષ્કર્મ ગુજારી, તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ નરાધમે પાપ છુપાવવાને બદલે વીડિયો અન્ય મિત્રને બતાવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈદના તહેવાર પૂર્વે ભોગ બનનાર સગીરા તેની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના કૉલેજીયન ભાઈએ સગીરાએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહીં, આરોપીએ અશ્લિલ વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ પણ કરી લીધો હતો.
આ પણ વાંચો
આ ઘટનાના થોડા દિવસ બાદ આરોપીએ અશ્લિલ વીડિયો પોતાના મિત્રને બતાવ્યો હતો. જો કે વીડિયો જોનારા યુવકે સગીરાને તરત જ ઓળખી નાંખીને તાત્કાલિક તેના ભાઈને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં ભાઈએ પૂછપરછ કરતાં પીડિત સગીરાએ આપવીતી જણાવતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં માંજલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યુવકની અટકાયત કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે ભોગ બનનાર સગીરા તેના પાડોશમાં રહેતી હોવાથી તેના પર ખરાબ નજર રાખતો હતો. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ અશ્લિલ વીડિયો અન્ય કેટલા લોકો સુધી પહોંચ્યો છે, તે જાણવા માટે સાયબર ક્રાઈમની મદદ લેવાઈ શકે છે.
