Vadodara News: વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 (NH-48) પરના વડોદરાના 65 કિમીના હાઈવે સ્ટ્રેચને 'ઝીરો ફેટાલિટી કોરિડોર તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર થતા માર્ગ અકસ્માતોમાં મૃત્યુઆંકને શૂન્ય પર લાવવાનો છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે, હાઈવે પરના તમામ 'બ્લેક સ્પોટ'ને ચિહ્નિત કરીને ત્યાં તાત્કાલિક અસરથી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી એક્સપ્રેસ વે ટોલનાકાથી લઈને આણંદ-વાસદ થઈ કરજણ સુધીના પટ્ટા પર સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી છે. જેમાં રોડ એન્જિનિયરિંગમાં સુધારો, સાઈનેજ બોર્ડ અને માર્ગ માર્કિંગ જેવી સુવિધાઓ દ્વારા આ હાઈવેને રોડ સેફ્ટીના મોડલ તરીકે વિકસાવવામાં આવશે.
ઇજાગ્રસ્તોને કેશલેસ સારવારની સુવિધા પ્રાપ્ત થશે
આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો પાસું અકસ્માત બાદની તબીબી સહાય છે. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલો ઉપરાંત શહેરની 30 ખાનગી હોસ્પિટલોને પણ જોડવામાં આવી છે, જ્યાં ઇજાગ્રસ્તોને કેશલેસ સારવારની સુવિધા પ્રાપ્ત થશે.
ઝીરો ફેટાલિટી કોરિડોર' મુખ્યત્વે ચાર સ્તંભો પર કામ કરશે
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા ઘટાડવા માટે પ્રશાસને 'ઝીરો ફેટાલિટી કોરિડોર' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ રસ્તાઓની ખામીયુક્ત ડિઝાઇન સુધારવા, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને અકસ્માતના સમયે ત્વરિત તબીબી સારવાર પહોંચાડવા પર વિશેષ ભાર મુકાશે. ડ્રાઈવરોમાં જાગૃતિ લાવવા સહિતના કુલ 4 મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુસાફરી સુરક્ષિત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ અભિયાનમાં પોલીસ તંત્ર સાથે હાઈવે ઓથોરિટી, આરટીઓ, સ્થાનિક ગામના આગેવાનો, પેટ્રોલ પંપના માલિકો, હોટલ-ધાબાના સંચાલકો અને ટ્રાન્સપોર્ટર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના મતે, અકસ્માત એ માત્ર આંકડો નથી પરંતુ એક પરિવારની ખુશીઓ સાથે જોડાયેલી બાબત છે, તેથી આ પ્રોજેક્ટ દ્વારા મૃત્યુઆંક ઘટાડીને માર્ગને સલામત બનાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે.
