Bagdana Controversy: બગદાણા આશ્રમના સેવક પર થયેલા જીવલેણ હુમલાને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધારાસભ્યો તેમજ કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર સુધી રજૂઆત કરતાં સરકારે નિષ્પક્ષ તપાસ માટે SITની રચના જરૂર કરી દીધી છે. આમ છતાં કોળી સમાજનો આક્રોશ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
હવે બગદાણાના નવનીત બાલધિયાને ઢોરમાર મારવા મામલે સુરતનો કોળી સમાજ મેદાનમાં આવ્યો છે. જે અંતર્ગત સુરતથી 100થી વધુ ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો ભાવનગર પહોંચ્યા હતા.
ભાવનગરની નારી ચોકડી ખાતે કોળી સમાજના આગેવાનો પિન્ટુ કોળી, શૈલેષ મેર, ચિરાગ ઝાલા સહિતના લોકો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યાંથી ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો મહુવા સ્થિત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
ઋષિ ભારતી બાપુએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
આ તકે ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, લુખ્ખા તત્વોએ નવનીતભાઈને ઢોરમાર મારતા હોય તેવો વીડિયો ઉતારીને બીજાને બતાવી રહ્યા છે. આતો હદ થઈ ગઈ છે. આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે. જે પૈકી એક દેશહિત અને સનાતન ધર્મના હિતમાં કામ કરે છે. આવા ગુંડાઓ વંદનીય છે. જ્યારે બીજા ગુંડાઓ ખોટી રીતે દાદાગીરી કરીને નાના માણસોને દબાવવાનો પ્રયાસ કરે છે. આવા લુખ્ખા તત્વોને માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશમાંથી હાંકી કાઢવા જોઈએ.
ગુજરાતના પોલીસ તંત્રમાં લાગવગશાહી ચાલી રહી છે. આવા લાગવગ ધરાવતા લોકો પૈસા આપીને પોલીસને ખરીદી લેતા હોય છે. જેના કારણે પીડિત વ્યક્તિને ક્યારેય ન્યાય નથી મળતો.
ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે
વધુમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, જીવલણે હુમલાને આટલા દિવસ વીત્યા છતાં હજુ સુધી પીડિત નવનીતભાઈને ન્યાયની કોઈ આશા નથી. આજે ગુજરાતના અઢી કરોડની વસ્તી ધરાવતો કોળી-ઠાકોર સમાજ નવનીતભાઈની સાથે જ છે. જો નવનીતભાઈને ન્યાય નહીં મળે, તો આગામ દિવસોમાં ઉગ્ર આંદોલન થશે.
