Gujarat News Today Live, 06 February, 2026: ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે રૂ. 178.54 કરોડના ખર્ચે 14 અદ્યતન 1.4 ટેસ્લા MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે. પ્રત્યેક મશીનની કિંમત રૂ. 12.75 કરોડ છે અને તેને GMERS તેમજ સિવિલ હોસ્પિટલોમાં સ્થાપિત કરાશે. આ નવીન MRI મશીનો ધારપુર, વડનગર, વલસાડ, જુનાગઢ, નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબી, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને વિસનગર સહિત રાજ્યના વિવિધ 14 શહેરોમાં ઉપલબ્ધ થશે. આ સુવિધાને કારણે દર્દીઓને ઝડપી, સચોટ અને ગુણવત્તાયુક્ત નિદાન સેવાઓનો લાભ મળશે, જેના પરિણામે ગુજરાતની જનતાને સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
7 ફેબ્રુઆરીના રોજ આણંદમાં ‘કોસમોસ વેલી’ ફલાવર શો નગરજનો માટે ખુલ્લો મુકાશે
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો માટે બોરસદ ચોકડી આણંદ ખાતે ઓવરબ્રિજની નીચે ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. આ કોસ્મોસ વેલીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તથા નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આગામી તારીખ 7 ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ બપોર બાદ 4 કલાકે યોજાનાર છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મનોહર પુષ્પ પ્રદર્શનને નિહાળવા માટે આણંદ જિલ્લાના શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
