Ahmedabad: શાળા અને એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેઈલ કરનાર શખ્સ ઝડપાયો, સાયબર ક્રાઈમે કાર્યવાહી કરી

ગુજસેલ એરપોર્ટ અને શહેરની તમામ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ કરનારો ઈસમ સાયબર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 11 May 2026 04:54 PM (IST)Updated: Mon, 11 May 2026 04:54 PM (IST)
ahmedabad-bomb-threat-email-schools-airport-accused-arrested-cyber-crime

Ahmedabad News: અમદાવાદ શહેરના ગુજસેલ એરપોર્ટ અને શહેરની તમામ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ કરનારો ઈસમ સાયબર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. કન્સ્ટ્રક્શન અને ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલો આરોપી ભાવેશ પટેલ પોલીસ પકડમાં આવી ગયો છે.

ગુજસેલ એરપોર્ટને ધમકીભર્યો મેઈલ

મળતી વિગતો મુજબ, ગત 24મી માર્ચના રોજ ગુજસેલ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો, જેમાં લખ્યુ કે, અગાઉ ઝડપાયેલા આરોપી સૌરભ વિશ્વાસને છોડી મૂકવામાં આવે નહીં તો, ગુજસેલ એરપોર્ટ અને સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આવો ધમકી ભર્યો મેઈલ મળતા જ પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ હતી.

સાયબર ક્રાઈમે આરોપીને ઝડપી લીધો

આરોપીને શોધી કાઢવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે મેઈલ મોકલનારા ઈસમ ભાવેશ પટેલને ઝડપી લીધો હતો. પોલીસે તેનું બેકગ્રાઉન્ડ તપાસ્યું ત્યારે જાણ થઈ કે, આરોપી યુવક આર્થિક રીતે સધ્ધર છે. તેમજ કન્સ્ટ્રક્શનના મોટા વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમજ આરોપી યુવક તેના મિત્રની કંપની સાથે મળી ગુજસેલ એરપોર્ટ પર આયોજિત વિવિધ કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટ કરતો હતો.

આરોપીના મોબાઈલમાંથી પુરાવો મળ્યો

સાયબર ક્રાઈમ DCP ડો. લાવિના સિન્હાના જણાવ્યા મુજબ, આ ધમકીભર્યો મેઈલ bhavesh4518 નામની આઈડી પરથી મોકલાયો હતો. પોલીસે આરોપી યુવકને ઝડપીને મોબાઈલની તપાસ કરી હતી. જેમાં જીમેઈલના ટ્રેશબોક્સમાં ડિલીટ મેઈલ મળી આવ્યા હતા. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, એરપોર્ટના કામકાજને લગતી કોઈ અંગત અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.