અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર વિવાદઃ કંઠી કઢાવી લેવાઇ અને હિજાબ સાથે વિદ્યાર્થિનીને પ્રવેશ અપાતા વિરોધ, દેખવાકારોની અટકાયત

પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓએ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના હાથમાં બાંધેલા રક્ષાદોરા અને ગળામાં પહેરેલી કંઠી જેવી ચીજવસ્તુઓ કઢાવી લેતા વિવાદ સર્જાયો હતો. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Jun 2026 03:59 PM (IST)Updated: Sun, 21 Jun 2026 03:59 PM (IST)
ahmedabad-news-parents-and-hindu-groups-protest-at-neet-exam-centre-over-removal-of-religious-symbols

Ahmedabad News: આજે લેવાયેલી NEET-UGની પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આર. જે. ટીબ્રવાલ કોલેજ ખાતે કેટલાક વિદ્યાર્થીઓએ પહેરેલી કંઠી સહિતની સામગ્રી ઉતારી લેવામાં આવી હતી પરંતુ એક વિદ્યાર્થિની હિજાબ સાથે આવી હતી તેને અંદર જવા દેવામાં આવી હતી. જેને લઇને પરીક્ષા કેન્દ્ર બહાર એકઠા થયેલા વાલીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવતો પોલીસે તેમની અટકાયત કરી હતી.

પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓએ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના હાથમાં બાંધેલા રક્ષાદોરા અને ગળામાં પહેરેલી કંઠી જેવી ચીજવસ્તુઓ કઢાવી લેતા વિવાદ સર્જાયો હતો. વાલીઓનો આક્ષેપ છે કે નિયમોના નામે હિન્દુ વિદ્યાર્થીઓ પાસે ધાર્મિક વસ્તુઓ કઢાવવામાં આવી, જ્યારે અન્ય સમુદાયના વિદ્યાર્થીઓને હિજાબ પહેરીને પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર બહાર એકઠા થયેલા વાલીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ધાતુની વસ્તુ કે એક્સેસરીઝ પહેરવાની મનાઈ છે. અમુક વિદ્યાર્થીઓએ તેનું પાલન કર્યું હતું અને ગાઇડલાઇન પ્રમાણે આવ્યા હતા. જોકે કેટલાક છોકરાઓએ કંઠી પહેરી હતી તેને કઢાવી લેવામાં આવી હતી. બીજી તરફ એક વિદ્યાર્થિની હિજાબ પહેરીને આવી હતી. પોલીસે પહેલા મનાઇ કરી પરંતુ બોલાચાલી બાદ તેને જવા દેવામાં આવી હતી.

વાલીઓએ કહ્યું હતું કે, જો કોઈને હિજાબમાં પરીક્ષા આપવાની છૂટ મળતી હોય, તો હિન્દુ બાળકોને રૂમાલ રાખવા જેવી સામાન્ય બાબતમાં પણ કેમ અટકાવવામાં આવે છે? ટીબ્રવાલ કોલેજ બહાર હિન્દુ સંગઠનોના કાર્યકરો અને વાલીઓના વિરોધને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી જેથી પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે.

ઉલ્લેખનીય છેકે, પેપર લીક થવાના વિવાદ બાદ રદ થયેલી NEET-UG ની પરીક્ષા આજે 21 જૂને ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીથી યોજાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યના કુલ 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો નોંધાયા છે. બપોરે 2 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે 11 થી 1.30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડબલ લેયર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોજાં, સાદી ઘડિયાળ અને રૂમાલ જેવી વસ્તુઓ પણ કેન્દ્રની બહાર મુકાવી દેવામાં આવી હતી. NTA દ્વારા કેન્દ્રોની બહાર પ્રતિબંધિત વસ્તુઓની યાદી સાથેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.