NEET UG Exam: દેશભરની મેડિકલ કૉલેજોમાં એડમિશન મેળવવા માટે અગત્યની ગણાતી અને પેપર લીક થયા બાદ રદ્દ કરવામાં આવેલી NEETની પરીક્ષા આવતીકાલે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા, નકલ કે પેપર લીક ના થાય તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે છે, તે માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
IGP મકરંદ ચૌહાણને નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરાયા
આવતીકાલે આયોજિત NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રોમાં પોલીસનો બંદોબસ્ત, પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાનો તેમજ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ગત બુધવારે જ રાજ્યના DGP જી.એસ. મલિકે NEETની પરીક્ષાને લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. DGPએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીનિયર પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ગાઈડલાઈનનું પાલન કરવા સંદર્ભે સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત NEETની પરીક્ષા સંદર્ભે IGP મકરંદ ચૌહાણને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.
તમામ પરીક્ષા કેન્દ્રો પર અભેદ્ય સુરક્ષા, CCTV કેમેરાથી સતત મોનિટરિંગ
આવતીકાલે લેવાનારની NEETની પરીક્ષાની તૈયારી અંગે વિગતો આપતા IGP મકરંદ ચૌહાણે જણાવ્યું કે, NEETની પરીક્ષા પારદર્શિતાથી સંપન્ન કરવા ગુજરાત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેના માટે થ્રી લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર બહાર BSF અને CAPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પરીક્ષા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દરેક સેન્ટરની બહાર CCTV ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે શંકાસ્પદ હિલચાલને તરત જ પકડી પાડશે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસની તમામ ગતિવિધિઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.
- એજન્સીઓ સાથે સંકલન: ગુજરાત પોલીસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે જેથી પરીક્ષા પારદર્શિતાથી સંપન્ન થાય.
- વિદ્યાર્થીઓની સુવિધા અને તપાસ: બસ, ટ્રેન કે ખાનગી વાહનો દ્વારા કેન્દ્ર પર પહોંચતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા હોલમાં પહોંચે અને તેમની યોગ્ય રીતે 'ફ્રિસ્કીંગ' (તપાસ) થાય તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
- ગેરરીતિઓ પર લગામ: કોઈ 'ઇનપર્સનેશન' (બીજાના બદલે પરીક્ષા આપવી) ન કરે તે માટે પોલીસ તકેદારી રાખશે. આ ઉપરાંત, સાયબર સેલ દ્વારા WhatsApp, Telegram અને અન્ય મેસેજિંગ એપ્સ પર ચાંપતી નજર રાખવામાં આવશે જેથી કોઈ અફવા કે પેપર લીક જેવી ગતિવિધિઓને અટકાવી શકાય.
- પેપરની સુરક્ષા અને ગોપનીયતા: પરીક્ષામાં ગોપનીયતા જાળવવી અત્યંત મહત્વની હોવાથી, પેપરના ટ્રાન્સપોર્ટેશનથી લઈને પરીક્ષાર્થીઓને વિતરણ કરવા સુધીની તમામ પ્રક્રિયામાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરના પેકેટ્સના પરિવહન (transportation) માટે પણ સિક્યુરિટી પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે.
- ભીડ અને કાયદો-વ્યવસ્થા: પરીક્ષા કેન્દ્રો પર 'ક્રાઉડ મેનેજમેન્ટ' સંદર્ભે રાજ્યના તમામ જિલ્લા પોલીસ એકમોને સૂચનાઓ આપવામાં આવી છે.
પેપર લીક થતા 23 લાખ વિદ્યાર્થીઓના સપના રોળાયા હતા
અગાઉ ગત 3 મેના રોજ દેશભરમાં NEET UGની પરીક્ષા યોજવામાં આવી હતી. જો કે પરીક્ષા પૂર્વે 410 માર્ક્સનું ગેસ પેપર ફરતું થયું હતુ, જેમાંથી 120 પ્રશ્નો બેઠા પુછાયા હતા. જેના કારણે પેપર લીકના આરોપો થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા 23 લાખ જેટલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતુ. આ મામલે હરકતમાં આવેલી સરકારે CBIને તપાસ સોંપી છે.
