NEET UG Dress Code Rules 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21 જૂનના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર NEET UG Re-Exam 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાને લઈને NTA દ્વારા કડક ગાઈડલાઈન્સ અને ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. શૂઝથી લઈને ફુલ સ્લીવના કપડાં અને દાગીના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પરીક્ષાનો સમય અને એન્ટ્રીના નિયમો શું છે?
NEET UG Re-Exam બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવાશે. જોકે, ઉમેદવારોએ સુરક્ષા તપાસ અને રિપોર્ટિંગ માટે સવારે 11:00 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. NTA ની માર્ગદર્શિકા મુજબ, બપોરે 1:30 વાગ્યા પછી કેન્દ્રના ગેટ બંધ કરી દેવામાં આવશે. ગેટ બંધ થયા બાદ કોઈપણ સંજોગોમાં ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ શું છે?
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના દિવસે હાફ સ્લીવ શર્ટ અથવા ટી-શર્ટ અને તેની સાથે સામાન્ય પેન્ટ કે ટ્રાઉઝર પહેરવા સલાહ આપવામાં આવી છે. વધુ ખિસ્સાવાળા, ભારે ડિઝાઇન, મોટી ચેન કે મેટલ બટન ધરાવતા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો
વિદ્યાર્થીનીઓ માટે ડ્રેસ કોડ શું છે?
વિદ્યાર્થીનીઓ અડધી બાંયની કુર્તી, ટોપ અથવા ટી-શર્ટ પહેરી શકે છે. જોકે ફુલ સ્લીવ કપડાં પહેરવાની મનાઈ નથી, પરંતુ આવી સ્થિતિમાં સુરક્ષા તપાસમાં વધુ સમય લાગી શકે છે. તેથી આવા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વધુ વહેલા પહોંચવું જોઈએ.
કઈ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે?
NEET UG Re-Exam માં ઉમેદવારોને બૂટ પહેરીને પ્રવેશવાની મંજૂરી નથી. પરીક્ષાર્થીઓ માત્ર સ્લિપર અથવા ઓછી હીલવાળી સેન્ડલ પહેરીને જ પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની મેટાલિક વસ્તુઓ કે જ્વેલરી પહેરીને આવવા પર રોક લગાવવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રમાં નીચે મુજબની વસ્તુઓ લઈ જઈ શકાશે નહીં
- ઇયરરિંગ્સ (કાનની બુટ્ટી), નથ કે લવિંગ
- ચેઇન, બ્રેસલેટ, વીંટી અને કડાં
- હેરબેન્ડ, ટોપી અને સનગ્લાસિસ
- સ્માર્ટ વૉચ કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ
પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલાં કઈ બાબતો યાદ રાખવી?
- પરીક્ષાનું ડાઉનલોડ કરેલું એડમિટ કાર્ડ (હૉલ ટિકિટ) અચૂક સાથે રાખો.
- તમારું ઓરિજિનલ અને માન્ય ફોટો આઈડી પ્રૂફ સાથે લઈ જવું.
- ટ્રાફિક કે અન્ય વિલંબ ટાળવા નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચો.
- પ્રવેશ દરમિયાન થતી મુશ્કેલીથી બચવા પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન લઈ જાવ અને NTA ની તમામ ગાઇડલાઇન્સનું યોગ્ય પાલન કરો.
