Digital Payment Safety: ડિજિટલ પેમેન્ટના આ યુગમાં UPI (Unified Payments Interface) એ આપણું કામ ઘણું સરળ બનાવી દીધું છે. સેકન્ડોમાં પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં પહોંચી જાય છે, પરંતુ આ ઝડપ ક્યારેક મુશ્કેલી પણ નોતરે છે. ઉતાવળમાં કે એકાદ નંબરની ભૂલને કારણે ઘણીવાર પૈસા ખોટા વ્યક્તિના ખાતામાં અથવા ખોટા UPI ID પર જમા થઈ જાય છે. જો તમારી સાથે આવું થયું હોય, તો ગભરાવાને બદલે નીચે મુજબના પગલાં ભરો.
પેમેન્ટ એપ પર તરત જ ફરિયાદ કરો
જો તમે Google Pay, PhonePe, Paytm કે BHIM જેવી કોઈ પણ એપનો ઉપયોગ કર્યો હોય, તો સૌથી પહેલા તે એપના 'Help'અથવા 'Support સેક્શનમાં જાઓ. જે ટ્રાન્ઝેક્શનમાં ભૂલ થઈ છે તેને પસંદ કરો અને તેની ફરિયાદ નોંધાવો. એપની સપોર્ટ ટીમ તમારી વિગતો ચકાસીને NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) સુધી તમારી વિનંતી પહોંચાડે છે.
તમારી બેંકનો સંપર્ક કરો
એપ પર ફરિયાદ કર્યા પછી પણ જો ઉકેલ ન આવે, તો તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો. બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કરો અથવા નજીકની શાખામાં જઈને લેખિતમાં અરજી આપો. તમારી પાસે Transaction ID અને UTR નંબર હોવો અનિવાર્ય છે. બેંક આ વિગતોના આધારે જે-તે વ્યક્તિની બેંકનો સંપર્ક કરી પેમેન્ટ રિવર્સલ (પૈસા પાછા મેળવવાની) પ્રક્રિયા શરૂ કરી શકે છે.
NPCI પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ
તમે સીધા જ NPCIની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો:
- NPCI ની વેબસાઇટ પર'Dispute Redressal Mechanism' વિભાગમાં જાઓ.
- ત્યાં 'Transaction' ટેબ હેઠળ તમારી વિગતો જેવી કે, ટ્રાન્ઝેક્શન ટાઈપ, UTR નંબર, બેંકનું નામ, અને રકમ ભરો.
- ફરિયાદમાં 'Incorrectly transferred to another account' વિકલ્પ પસંદ કરો.
- આ ઉપરાંત, તમે NPCI હેલ્પલાઈન નંબર 1800-120-1740 પર પણ મદદ માંગી શકો છો.
સમયનું મહત્વ
નિષ્ણાતોના મતે, ખોટા ટ્રાન્ઝેક્શનના 24 થી 48 કલાકની અંદર જો ફરિયાદ કરવામાં આવે, તો પૈસા પાછા મળવાની શક્યતા સૌથી વધુ રહે છે. જો સામેવાળી વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપડી જાય અથવા તે ખર્ચ કરી નાખે, તો પ્રક્રિયા જટિલ બની શકે છે.
સાવચેતીના પગલાં
- પૈસા મોકલતા પહેલા સામેવાળી વ્યક્તિનું નામ (જે બેંક રેકોર્ડ મુજબ દેખાય છે) ચોક્કસ તપાસો.
- મોટી રકમ મોકલતા પહેલા, હંમેશા ₹1 મોકલીને ખાતરી કરી લો.
- કોઈપણ અજાણી લિંક કે QR કોડ પર ક્લિક કરતા પહેલા સાવધ રહો.
ડિજિટલ યુગમાં સાવચેતી એ જ સલામતી છે. જો ભૂલ થાય તો સમય બગાડ્યા વિના અધિકૃત ચેનલો દ્વારા ફરિયાદ નોંધાવવી જોઈએ.
