Republic Day Eve Address: 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે દેશનો આર્થિક વિકાસ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, ભારત સ્થિર આર્થિક વિકાસ અનુભવી રહ્યું છે. ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ દેશ અને વિદેશમાં રહેતા ભારતના લોકો, ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. હું, આપ સૌને પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું.
પ્રજાસત્તાક દિવસનું પાવન પર્વ આપણા અતિત, વર્તમાન અને ભવિષ્યમાં દેશની દશા અને દિશાનું ચિંતન કરવાનો અવસર હોય છે. સ્વતંત્રતાના સંગ્રામના બળે, 15 ઓગસ્ટ 1947ના દિવસથી આપણા દેશની દશા બદલાઈ. ભારત સ્વતંત્ર થયું. આપણે આપણા દેશના ભાગ્યના ઘડવૈયા બન્યા.
26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણે આપણા પ્રજાતંત્રને બંધારણીય આદર્શોની દિશામાં આગળ ધપાવી રહ્યા છીએ. તે દિવસે, આપણે આપણા બંધારણનો સંપૂર્ણપણે અમલ કર્યો. લોકશાહીની જનેતા, ભારત-ભૂમિ વસાહતી શાસનના કાયદાથી મુક્ત થઈ અને આપણું લોકશાહી પ્રજાતંત્ર અસ્તિત્વમાં આવ્યું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે- આજના દિવસે એટલે કે 25 જાન્યુઆરીના રોજ આપણા દેશમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવવામાં આવે છે. જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે આપણા વયસ્ક નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરે છે. બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર માનતા હતા કે, મતાધિકારના ઉપયોગથી રાજકીય શિક્ષણ સુનિશ્ચિત થાય છે. આપણા મતદારો, બાબાસાહેબની વિચારધારાને અનુરૂપ, તેમની રાજકીય જાગૃતિનો પરિચય આપે છે. મતદાનમાં મહિલાઓની વધી રહેલી સહભાગીતા આપણા પ્રજાતંત્રનું એક શક્તિશાળી પરિમાણ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે- મહિલાઓ સક્રિય અને સમર્થ બને તે દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા રાષ્ટ્રીય પ્રયાસોથી અનેક ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં 57 કરોડ કરતાં વધુ બેંક ખાતા ખુલી ગયા છે. તેમાં મહિલાઓના ખાતા લગભગ 56 ટકા છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે- આપણી બહેનો અને દીકરીઓ, પરંપરાગત રૂઢીઓનાં બંધનો તોડીને આગળ વધી રહી છે. મહિલાઓ દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપી રહી છે. દર કરોડથી વધુ સ્વ-સહાય-સમૂહો સાથે જોડાયેલી બહેનો વિકાસની નવી પરિભાષા લખી રહી છે. મહિલાઓ, ખેતરોથી લઈને અંતરીક્ષ સુધી, સ્વ-રોજગારથી લઈને સેનાઓ સુધી, પોતાની પ્રભાવી ઓળખ બનાવી રહી છે. રમતગમતના ક્ષેત્રમાં આપણી દીકરીઓએ વૈશ્વિક સ્તરે નવા દૃષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં, ભારતની દીકરીઓએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને ત્યારપછી પ્રજ્ઞાચક્ષુ મહિલા T20 વર્લ્ડ કપ જીતીને સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. ગયા વર્ષે જ, ચેસ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતની જ બે દીકરીઓ વચ્ચે રમાઈ હતી. આ ઉદાહરણ રમત-જગતમાં આપણી દીકરીઓના પ્રભૂત્વનો પૂરાવો છે. આવી દીકરીઓ પર દેશવાસીઓને ગૌરવ છે.
મહામહિમે કહ્યું કે-પંચાયતીરાજ સંસ્થાઓમાં મહિલા જન-પ્રતિનિધિઓની સંખ્યા લગભગ 46 ટકા છે. મહિલાઓના રાજકીય સશક્તિકરણને નવી ઊંચાઈએ લઈ જનારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’થી, મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિચારને અભૂતપૂર્વ શક્તિ મળશે. વિકસિત ભારતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમના વધતા યોગદાનથી, આપણો દેશ મહિલા-પુરુષ સમાનતા પર આધારિત સમાવેશી પ્રજાતંત્રનું દૃષ્ટાંત પૂરું પાડશે.
આપણા અન્નદાતા ખેડૂતો, આપણા સમાજ તેમજ અર્થતંત્રની કરોડરજ્જૂ છે. ખેડૂતોની પરિશ્રમી પેઢીઓએ આપણા દેશને ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બનાવ્યો છે. ખેડૂતોના પરિશ્રમના બળથી જ આપણે કૃષિ આધારિત ઉત્પાદનોની નિકાસ કરી શકીએ છીએ. અનેક ખેડૂતોએ સફળતાના અત્યંત પ્રભાવશાળી ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. ખેડૂત ભાઇઓ-બહેનોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળે, રાહતદરના વ્યાજે ધીરાણ મળે, અસરકારક વીમા કવચ મળે, ખેતી માટે સારું બિયારણ મળે, સિંચાઈની સુવિધાઓ મળે, વધુ ઉપજ માટે ખાતર ઉપલબ્ધ હોય, તેમને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે જોડવામાં આવે તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે, આ બધી જ બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ‘પીએમ કિસાન સન્માન નિધિ’ દ્વારા ખેડૂત ભાઇઓ-બહેનોના યોગદાનો આદર કરવામાં આવી રહ્યો છે તેમજ તેમના પ્રયાસોને બળ આપવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં કહ્યું કે- ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. વૈશ્વિક-સ્તરે અનિશ્ચિતતા હોવા છતાં, ભારતમાં સતત આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આપણે નજીકના ભવિષ્યમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરીને, આપણે આપણા આર્થિક માળખાનું ઉચ્ચ સ્તરે ફરીથી નિર્માણ કરી રહ્યા છીએ. આર્થિક ભાગ્યના નિર્માણની આ યાત્રામાં, આત્મનિર્ભરતા અને સ્વદેશી આપણા મૂળ મંત્ર છે.
સ્વતંત્રતા પછી દેશના આર્થિક એકીકરણ માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એવા, GSTના અમલીકરણથી ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની વ્યવસ્થા સ્થાપિત થઈ છે. GST પ્રણાલીને વધુ અસરકારક બનાવવાના તાજેતરના નિર્ણયથી આપણું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. શ્રમ સુધારાના ક્ષેત્રમાં ચાર ‘શ્રમ સંહિતા’ બહાર પાડવામાં આવી છે. આનાથી આપણા શ્રમિક ભાઇઓ-બહેનોને લાભ થશે અને ઉદ્યોગોના વિકાસને પણ વેગ મળશે.
પ્રાચીનકાળથી જ, સમગ્ર માનવજાત આપણી સભ્યતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાથી લાભ મેળવતી આવી છે. આયુર્વેદ, યોગ અને પ્રાણાયામની વિશ્વ સમુદાયે પ્રશંસા કરી છે અને અપનાવ્યા છે. ઘણા મહાન વિભૂતીઓએ આપણી આધ્યાત્મિક અને સામાજિક એકતાની ધારાને અવિરત પ્રવાહ આપ્યો છે. કેરળમાં જન્મેલા મહાન કવિ, સમાજ સુધારક અને આધ્યાત્મિક વિભૂતી શ્રી નારાયણ ગુરુના મતે એ સ્થાનને આદર્શ માનવામાં આવે છે જ્યાં બધા લોકો જાતિ અને સંપ્રદાયના ભેદભાવથી મુક્ત રહીને ભાઇચારામાં સાથે રહે. હું શ્રી નારાયણ ગુરુના આ વિચારને તેમના પોતાના શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું:
રાષ્ટ્રપતિએ કહ્યું કે - ગયા વર્ષે, આપણા દેશે ઓપરેશન સિંદૂર દ્વારા, આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓના અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા અને કેટલાય આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડી દીધા. સુરક્ષા ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભરતાથી ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને શક્તિ મળી.
સિયાચીન બેઝ કેમ્પ પર જઈને મેં બહાદુર સૈનિકોને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાં પણ દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ તત્પર અને ઉત્સાહિત જોયા છે. ભારતીય વાયુદળના યુદ્ધ વિમાનો, સુખોઈ અને રાફેલમાં ઉડાન ભરવાનો અવસર પણ મને મળ્યો છે. હું વાયુદળના યુદ્ધ કૌશલ્યોથી અવગત થઈ છું. મેં ભારતીય નૌકાદળના સ્વદેશમાં નિર્મિત વિમાનવાહક જહાજ INS વિક્રાંતની અસાધારણ ક્ષમતાઓને જોઈ છે. હું નૌકાદળની સબમરીન INS વાઘશીરમાં સમુદ્રના પેટાળ સુધી ગઈ છું. ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળની શક્તિના આધારે, આપણી સુરક્ષા-ક્ષમતા પર દેશવાસીઓને સંપૂર્ણ ભરોસો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે - પર્યાવરણ સંરક્ષણ આજની અત્યંત મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. મને એ વાતનું ગૌરવ થાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રોમાં ભારતે વૈશ્વિક સમુદાયનું માર્ગદર્શન કર્યું છે. પ્રકૃતિ સાથે તાલમેલમાં જીવનશૈલી ભારતની સાંસ્કૃતિક પરંપરાનો હિસ્સો રહી છે. આ જીવનશૈલી, વૈશ્વિક સમુદાય માટે આપણા સંદેશ ‘લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ’ એટલે કે ‘LiFE’નો આધાર છે. આપણે એવા પ્રયાસો કરીએ કે જેનાથી ભાવિ પેઢીઓ માટે ધરતી માતાનાં અમૂલ્ય સંસાધન ઉપલબ્ધ રહી શકે.
આપણી પરંપરામાં, સમગ્ર સૃષ્ટિમાં શાંતિ જાળવી રાખવાની પ્રાર્થના કરવામાં આવે છે. આખા વિશ્વમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત થશે તો જ માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે છે. વિશ્વના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી અશાંતિના માહોલમાં, ભારત દ્વારા વિશ્વશાંતિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.
મને લાગે છે કે પ્રજાસત્તાક દિવસ, દેશભક્તિની આ પ્રબળ ભાવનાને વધુ સુદૃઢ કરવાના સંકલ્પનો અવસર છે. આવો, આપણે સાથે મળીને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી કામ કરીને આપણા પ્રજાતંત્રને હજુ પણ વધુ ગૌરવશાળી બનાવીએ.
હું ફરી એકવાર, આપ સૌને, પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મને દૃઢ વિશ્વાસ છે કે, આપ સૌનું જીવન સુખ, શાંતિ, સુરક્ષા અને સૌહાર્દથી પરિપૂર્ણ રહેશે. હું, આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની મંગળ-કામના કરું છું.
