FIFA World Cup 2026: લિયોનેલ મેસીની ઐતિહાસિક હેટ્રિક, ગોલ કર્યા બાદ કેમ રડી પડ્યો ફૂટબોલનો શહેનશાહ?

લિયોનેલ મેસી હવે ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધુ 27 મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 03:35 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:35 PM (IST)
fifa-world-cup-2026-lionel-messi-get-emotional-after-hat-trick-goal-argentina-vs-algeria

FIFA World Cup 2026, Argentina vs Algeria:ફિફા વર્લ્ડ કપ 2026 ની ધમાકેદાર શરૂઆત સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. પ્રથમ મેચમાં જ આર્જેન્ટિનાએ આફ્રિકન ટીમ અલ્જીરિયાને 3-0 થી કારમો પરાજય આપ્યો. જોકે, આ મેચ દરમિયાન લિયોનેલ મેસી ભાવુક થતો જોવા મળ્યો હતો.

ઐતિહાસિક મેચમાં મેસીનું રેકોર્ડબ્રેક પ્રદર્શન

આ મેચ વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસી માટે ઐતિહાસિક સાબિત થઈ હતી. કારણ કે, તેણે પોતાની 200મી ઇન્ટરનેશનલ મેચ રમતા શાનદાર હેટ્રિક ફટકારી હતી. અલ્જીરિયા સામેની આ હેટ્રિક સાથે જ મેસીએ ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં અનેક નવા કીર્તિમાન પોતાના નામે કર્યા છે. 

આ 3 ગોલની મદદથી મેસીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાના જર્મનીના મહાન સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત તેણે ફ્રાન્સના સ્ટાર કિલિયન એમ્બાપ્પેને પણ પાછળ રાખી દીધો છે. મેસી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ 27 મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. સાથે જ તે છ વર્લ્ડ કપ રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર પણ બની ગયો છે.

— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) June 17, 2026

મેદાન પર કેમ ભાવુક થયો લિયોનેલ મેસી? 

અલ્જીરિયા સામેની આ ઐતિહાસિક મેચમાં ગોલ કર્યા બાદ મેસી મેદાન પર જ અત્યંત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા. મેચ પૂરી થયા બાદ આ ભાવુક ક્ષણ પાછળનું સાચું કારણ જણાવતા મેસીએ જણાવ્યું કે, તેના આંસુ ફૂટબોલને કારણે નહીં પરંતુ તે મુશ્કેલ સમયને કારણે હતા, જેનો તેણે ટુર્નામેન્ટની શરૂઆત પહેલા વ્યક્તિગત રીતે સામનો કર્યો હતો. 

લિયોનેલ મેસીએ ખુલાસો કર્યો કે તે છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત કઠિન અને વ્યક્તિગત રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે આ કપરા સમયમાં પોતાની પડખે ઢાલ બનીને ઊભા રહેવા બદલ ટીમના સાથી ખેલાડીઓ અને આખા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

— FOX Sports (@FOXSports) June 17, 2026

મેચની રોમાંચક ક્ષણો: મેસીને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

આ મેચની શરૂઆતથી જ મેસી પોતાના રંગમાં જોવા મળ્યો હતો.

  • મેસીએ 17મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાનું ખાતું ખોલાવ્યું હતું.
  • 60 મી મિનિટે બીજો ગોલ અને 76મી મિનિટે ત્રીજો ગોલ ફટકારી હેટ્રિક પૂર્ણ કરી
  • આ મેસીની કારકિર્દીની 61મી અને આર્જેન્ટિના માટે 11મી હેટ્રિક હતી.

જ્યારે 80મી મિનિટે લિયોનેલ મેસીને સબસ્ટીટયુટ કરવામાં આવ્યો ત્યારે આખા સ્ટેડિયમે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેને સ્ટેન્ડિંગ ઓવેશન (Standing Ovation) આપ્યું અને આ મહાન ખેલાડીનું અભિવાદન કર્યું હતું.

આર્જેન્ટિનાનો આગામી પડકાર 

આ ધમાકેદાર જીત સાથે જ આર્જેન્ટિના ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. હવે આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ J ની પોતાની આગામી મેચ રમવા માટે ટેક્સાસ જશે. આર્જેન્ટિનાનો બીજો મુકાબલો 22 જૂનના રોજ ઓસ્ટ્રિયા સામે અને ગ્રુપની છેલ્લી મેચ 27 જૂનના રોજ જોર્ડન સામે રમાશે.