India vs New Zealand 1st ODI: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં 4 વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતને જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ટીમે 6 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. આ જીત સાથે જ ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
વડોદરા વનડેમાં ભારતની જીતમાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 91 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન માટે કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કોહલીએ વનડે ઇન્ટરનેશનલમાં 45મી વખત આ એવોર્ડ જીત્યો છે. આ ઇનિંગ દરમિયાન તેઓ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયા છે.
સપના સમાન સફર
મેચ બાદ વિરાટ કોહલીએ ભાવુક નિવેદન આપતા જણાવ્યું કે તેઓ જે કંઈ પણ હાંસલ કરી શક્યા છે તે માટે ભગવાનના આભારી છે, કારણ કે ભગવાને તેમને અપેક્ષાઓ કરતાં પણ ઘણું વધારે આપ્યું છે. કોહલીએ કહ્યું કે જો હું મારી આખી સફર પાછળ વળીને જોઉં તો તે મારા માટે કોઈ સપનાથી ઓછું નથી. મને હંમેશા મારી ક્ષમતાઓ પર વિશ્વાસ હતો, પણ એ પણ ખબર હતી કે અહીં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ પોતાના તમામ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ ગુરુગ્રામમાં તેમની માતાને મોકલી દે છે, કારણ કે તેમને આ ટ્રોફીઓ સાચવવી ખૂબ ગમે છે.
સદી ચૂકવા પર શું કહ્યું
93 રને આઉટ થઈને સદી ચૂકવા છતાં કોહલીને તેનો કોઈ અફસોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે કોઈપણ માઈલસ્ટોન વિશે વિચારતા નથી. કોહલીએ જણાવ્યું કે જ્યારે લક્ષ્ય સામે હોય ત્યારે પરિસ્થિતિ મુજબ રમવું પડે છે. મારા મગજમાં માત્ર એક જ વાત હતી કે ટીમને જીતની સરળ સ્થિતિમાં લાવવી. તેમણે એમ પણ કહ્યું કે નંબર 3 પર બેટિંગ કરતી વખતે મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ રાહ જોવાને બદલે વળતો હુમલો કરવામાં માને છે.
ચાહકોનો પ્રેમ
કોહલીએ પોતાની સફળતાને એક આશીર્વાદ ગણાવતા કહ્યું કે બાળપણથી જે રમતને તેઓ પ્રેમ કરે છે તે રમીને લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે, તેનાથી વધુ તેઓ શું માંગી શકે? તેઓ પોતાનું સપનું જીવી રહ્યા છે અને લોકોને ખુશ જોઈને તેમને આનંદ થાય છે. હવે વનડે શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
