VIDEO: IPL 2026 જીત્યા બાદ અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા વિરાટ કોહલી, પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ

IPL 2026 ની ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવન ખાતે સંત પ્રેમાનંદ મહારાજ અને દાદા ગુરુ શ્રી હિત ગૌરાંગી શરણ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 02 Jun 2026 01:19 PM (IST)Updated: Tue, 02 Jun 2026 01:19 PM (IST)
virat-kohli-anushka-sharma-visit-premanand-maharaj-vrindavan-video-after-ipl-2026-title-win

Virat Kohli Anushka Sharma Vrindavan Video: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ને સતત બીજી વખત આઇપીએલ (IPL) ચેમ્પિયન બનાવ્યા બાદ, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે આધ્યાત્મિક શરણમાં પહોંચ્યા છે. મેદાન પર જીતનો જશ્ન મનાવ્યા બાદ આ સેલિબ્રિટી કપલ સીધું જ વૃંદાવન પહોંચ્યું હતું. વિરાટ અને અનુષ્કાએ સવારે 4:00 વાગ્યે યમુના નદીના કિનારે આવેલા એકાંત આશ્રમમાં વિખ્યાત સંત સદ્ગુરુ પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી.

હાલમાં સોશિયલ મીડિયા પર 'વિરુષ્કા' નો આ ભક્તિમય અવતાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં આ સ્ટાર દંપતી ખુલ્લા પગે, ગળામાં તુલસીની માળા ધારણ કરેલા અને કપાળ પર પવિત્ર તિલક લગાવેલા એકદમ સાદા લુકમાં જોવા મળી રહ્યું છે.

ઝૂંપડીમાં 45 મિનિટ સુધી ચાલી આધ્યાત્મિક ચર્ચા

વિરાટ કોહલી લાંબા સમયથી પ્રેમાનંદ જી મહારાજના અનુયાયી રહ્યા છે અને અવારનવાર અહીં આવતા રહે છે. IPL 2026 નો ખિતાબ જીત્યા બાદ તેઓ સવારે મહારાજશ્રીના મુખ્ય આશ્રમ 'રાધા કેલી કુંજ' પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ યમુના કિનારે આવેલી એક સાધારણ ઝૂંપડીમાં મહારાજશ્રીને મળ્યા અને આશરે 45 મિનિટ સુધી ગહન આધ્યાત્મિક ચર્ચા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

દાદા ગુરુ શ્રી હિત ગૌરાંગી શરણ મહારાજના પણ લીધા આશીર્વાદ

પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કર્યા બાદ વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ જી ના આધ્યાત્મિક ગુરુ દાદા ગુરુ શ્રી હિત ગૌરાંગી શરણ મહારાજ જી (બડે મહારાજ જી) ના આશ્રમે પહોંચ્યા હતા. ત્યાં પણ આ દંપતીએ આશરે 30 મિનિટ સુધી વિતાવ્યા હતા.

મેદાન પર અનુષ્કાની ઉજવણી

આ સીઝનમાં અનુષ્કા શર્મા દરેક મેચમાં વિરાટ અને RCB ની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો, જેની ઉજવણી અનુષ્કાએ મેદાન પર અને સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો શેર કરીને કરી હતી.

IPL 2026 માં વિરાટનો રેકોર્ડ

જો વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, 37 વર્ષીય આ દિગ્ગજ બેટ્સમેને IPL 2026 ની 16 મેચોમાં 56 ની શાનદાર સરેરાશ અને 166 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ 675 રન બનાવ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં કોઈપણ એક સીઝનમાં વિરાટનો આ સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ છે. આ સીઝનમાં તેણે 5 અડધી સદી અને 1 શાનદાર સદી પણ ફટકારી છે, અને તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો છે. ઓરેન્જ કેપની રેસના ટોપ 5 બેટ્સમેનોમાં માત્ર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો જ સ્ટ્રાઇક રેટ વિરાટ કરતાં સારો હતો.