IND vs ENG ODI Series: ઇંગ્લેન્ડ સામેની 3 વન-ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત; શુભમન ગિલ સંભાળશે કેપ્ટનશીપ

આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારો નિર્ણય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લઈને લેવાયો છે, જેને આ વન-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી. 

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Sun, 21 Jun 2026 02:50 PM (IST)Updated: Sun, 21 Jun 2026 02:50 PM (IST)
ind-vs-eng-odi-series-indian-team-announced-for-3-odi-matches-against-england-shubman-gill-to-take-over-captaincy
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની ODI ટીમ 2026

IND vs ENG ODI Series: ઇંગ્લેન્ડ સામે રમાનારી આગામી મહત્વપૂર્ણ વન-ડે (ODI) શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ વન-ડે સીરીઝ આગામી 14 જુલાઈથી શરૂ થશે, જેમાં બંને ટીમો વચ્ચે કુલ ત્રણ રોમાંચક મેચો રમાશે.

યશસ્વી જયસ્વાલ બહાર, વિરાટ કોહલીની ફિટનેસ પર નજર

આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારો નિર્ણય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લઈને લેવાયો છે, જેને આ વન-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે, હજુ શનિવારે જ અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે મેચમાં જયસ્વાલે 110 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી, તેમ છતાં તેને બહાર રાખવામાં આવ્યો છે. બીજી તરફ, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરાયો છે, પરંતુ તે ઇંગ્લેન્ડ સામે રમશે કે નહીં તેનો આધાર તેના ફિટનેસ ક્લિયરન્સ પર રહેશે. જો તે સંપૂર્ણ ફિટ જાહેર થશે તો જ મેદાન પર ઉતરશે.

— BCCI (@BCCI) June 21, 2026

બુમરાહ અને અક્ષર પટેલની વાપસી, નવા ખેલાડીઓ ડ્રોપ

તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સ્પિનર હર્ષ દુબેને ઇંગ્લેન્ડ પ્રવાસની ટીમમાં સ્થાન મળ્યું નથી; તેની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર અક્ષર પટેલની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત, તે જ શ્રેણીમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ પણ પોતાની જગ્યા જાળવી રાખવામાં અસફળ રહ્યો છે. ભારતીય ફેન્સ માટે સારા સમાચાર એ છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ વન-ડે શ્રેણી માટે સંપૂર્ણ તાજગી સાથે ટીમમાં પાછો ફર્યો છે, જે પેસ એટેકની આગેવાની કરશે.

ભારતની વન-ડે (ODI) ટીમ નીચે મુજબ છે:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી*, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુર્નૂર બ્રાર.

વન-ડે (ODI) શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક:

  • પ્રથમ વન-ડે: 14 જુલાઈ – એજબેસ્ટન, બર્મિંગહામ
  • બીજી વન-ડે: 16 જુલાઈ – સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ
  • ત્રીજી વન-ડે: 19 જુલાઈ – લોર્ડ્સ, લંડન

 

વન-ડે પહેલા રમાશે 5 ટી20 મેચોની ધમાકેદાર શ્રેણી

મુખ્ય વન-ડે શ્રેણીની શરૂઆત થાય તે પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની હાઈ-વોલ્ટેજ ટી20 (T20) શ્રેણી રમાશે. આ ટૂંકા ફોર્મેટની શ્રેણી 1 જુલાઈથી શરૂ થવાની છે, જેનું સમયપત્રક આ મુજબ છે:

  • 1લી ટી20: 1 જુલાઈ
  • 2જી ટી20: 4 જુલાઈ
  • 3જી ટી20: 7 જુલાઈ
  • 4થી ટી20: 9 જુલાઈ
  • 5મી ટી20: 11 જુલાઈ