Tri Series Final: શ્રીલંકાની ધરતી પર રમાયેલી ત્રિપાંખીયો જંગ એટલે કે ટ્રાય સિરીઝમાં ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આખી સિરીઝ દરમિયાન સારી શરૂઆતને મોટા સ્કોરમાં ન બદલી શકવાની કસર ઓપનર વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ મેચમાં વ્યાજ સાથે પૂરી કરી દીધી હતી. શ્રીલંકા એ ટીમ સામે રમાયેલી આ ખિતાબી અને નિર્ણાયક મેચમાં વૈભવે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે વિરોધી ટીમના બોલરો પાણી માંગતા થઈ ગયા હતા. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બોલમાં લિસ્ટ એ ક્રિકેટની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
કેપ્ટન તિલક વર્માની આગેવાની હેઠળની ઇન્ડિયા એ ટીમે આ ફાઇનલ મુકાબલો 66 રને જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
શતક ચૂક્યો પણ રચ્યો ઇતિહાસ
રંગિરી દામ્બુલા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇન્ડિયા એ તરફથી ઓપનિંગ કરવા ઉતરેલી વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યની જોડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. વૈભવ જાણે ડ્રેસિંગ રૂમમાંથી જ સેટ થઈને આવ્યો હોય તેમ તેણે પહેલી જ ઓવરથી શ્રીલંકન બોલરો પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. બીજા છેડેથી પ્રિયાંશ આર્યે પોતાની જવાબદારી સમજીને સિંગલ-ડબલ રન લઈને વૈભવને વધુમાં વધુ સ્ટ્રાઇક આપી હતી.
જોતજોતામાં વૈભવે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી, જે લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી છે. ફિફ્ટી પત્યા પછી પણ વૈભવ અટક્યો નહોતો અને રનની ગતિ ચાલુ રાખી હતી. જોકે, તે કમનસીબે પોતાની સદી માત્ર 6 રન માટે ચૂક્યો હતો અને કેચ આઉટ થયો હતો. વૈભવે માત્ર 29 બોલનો સામનો કરીને 94 રનની અત્યંત તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
કેપ્ટન તિલકની અડધી સદી, ભારતે બનાવ્યો વિશાળ સ્કોર
વૈભવની સાથે ઓપનિંગમાં આવેલા પ્રિયાંશ આર્યે 29 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. વાઈસ કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સારી લયમાં દેખાઈ રહ્યો હતો પરંતુ 40 રન બનાવીને તે અડધી સદી ચૂક્યો હતો. તેવામાં કેપ્ટન તિલક વર્માએ મોરચો સંભાળ્યો અને શાનદાર અડધી સદી ફટકારી હતી. તિલકે 90 બોલમાં મક્કમ બેટિંગ કરતા 67 રન જોડ્યા હતા.
ઇનિંગના અંતિમ ઓવરોમાં વિકેટકીપર કુમાર કુશાગ્ર (36 રન), અનુકૂલ રોય (39 રન) અને વિપ્રાજ નિગમે (27 રન) ઉપયોગી ઇનિંગ્સ રમીને ભારતીય ટીમનો સ્કોર નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટના નુકસાને 377 રન સુધી પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી કુગાથાસ મથુલન, રવિન્દુ ફર્નાન્ડો અને વાનુજા સહાને 2-2 વિકેટ ઝડપી હતી.
યશ ઠાકુરે શરૂઆતમાં જ શ્રીલંકાની કમર તોડી નાખી
વિશાળ 378 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા એ ટીમની શરૂઆત ભારે ખરાબ રહી હતી. ભારતીય બોલર યશ ઠાકુરે ટોપ ઓર્ડર પર ત્રાટકીને શ્રીલંકાને શરૂઆતી 3 મોટા ઝટકા આપ્યા હતા. તેણે અવિષ્કા ફર્નાન્ડો (3 રન), નિરોશન ડિકવેલા (25 રન) અને નુવાનીદુ ફર્નાન્ડો (21 રન)ને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા.
ત્યારબાદ સદીરા સમરવિક્રમા અને કેપ્ટન સહાન અરાચિગે વચ્ચે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ હતી. આ સિરીઝમાં પ્રથમ વખત રમી રહેલા ભારતીય યુવા બોલર અશોક શર્માએ આ ખતરનાક બની રહેલી પાર્ટનરશિપને તોડી હતી. અશોકે સદીરા (52 રન)ને કુમાર કુશાગ્રના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ રવિન્દુ ફર્નાન્ડો પણ 19 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
બોલિંગમાં પણ ચાલ્યો કેપ્ટન તિલકનો જાદુ, ભારત 66 રને વિજેતા
શ્રીલંકાની ટીમ રન ચેઝમાં પાછળ પડી રહી હતી ત્યારે ભારતીય કેપ્ટન તિલક વર્માએ પોતે બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. તિલકે લંકાના કેપ્ટન સહાન અરાચિગે (38 રન)ને આઉટ કરીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી દીધી હતી. લોઅર ઓર્ડરમાં વિજયકાંત વ્યાસકાંતે 39, વાનુજા સાહને લડાયક 62, દુલજ સમુદિથાએ 15 અને મોહમ્મદ શિરાજે 21 રન બનાવીને પ્રતિકાર કર્યો હતો પરંતુ તે જીત માટે પૂરતો નહોતો.
શ્રીલંકા એ ટીમ 47.1 ઓવરમાં 311 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ 66 રને જીતી લીધી હતી. ભારત તરફથી બોલિંગમાં યશ ઠાકુર અને વિપ્રાજ નિગમે સૌથી વધુ 3-3 વિકેટો ઝડપી હતી, જ્યારે અનુકૂલ રોયે 2 સફળતા મેળવી હતી.
