વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકા સામે ધમાકો ફાઇનલ જીત બાદ ખોલ્યું મોટું સિક્રેટ

યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક 94 રનની ઇનિંગ્સના જોરે ભારતીય 'એ' ટીમે શ્રીલંકા 'એ' ને હરાવી ટ્રાઇ-સિરીઝ ટ્રોફી જીતી. મેચ બાદ વૈભવે પોતાની રણનીતિ અને કરિયર વિશે એક રહસ્ય ખોલ્યું, જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 21 Jun 2026 07:47 PM (IST)Updated: Sun, 21 Jun 2026 07:47 PM (IST)
vaibhav-suryavanshi-revealed-his-secret-after-making-a-splash-in-the-final-against-sri-lanka

Vaibhav Suryavanshi batting vs Sri Lanka: યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક અને તોફાની ઇનિંગ્સના જોરે ભારતીય 'એ' ટીમે ટ્રાઇ-સિરીઝના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં શ્રીલંકા 'એ' ટીમને 66 રને પરાજય આપી ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. ભારતે આપેલા વિશાળ ટાર્ગેટ સામે શ્રીલંકન ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી. આ શાનદાર જીત બાદ મેચના અસલી હીરો વૈભવ સૂર્યવંશીએ પોતાની રણનીતિ અને કરિયરને લઈને એક એવો ખુલાસો કર્યો છે, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણે છે.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ખડક્યો રનનો પહાડ

ફાઇનલ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય 'એ' ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ભારતીય ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન તિલક વર્માએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 67 રન ફટકાર્યા હતા, જ્યારે અનુભવી ઓપનર ઋતુરાજ ગાયકવાડે 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

378 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શકી નહોતી અને સમગ્ર ટીમ 311 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતે 66 રને શાનદાર જીત નોંધાવી હતી.

324.14ની સ્ટ્રાઇક રેટથી તબાહી: માત્ર 6 રન માટે સદી ચૂકી

આ આખી મેચમાં જો કોઈ એક ખેલાડી લાઈમલાઈટમાં રહ્યો હોય તો તે વૈભવ સૂર્યવંશી છે. તેને તેની આક્રમક બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. વૈભવે મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા માત્ર 29 બોલમાં 94 રનની અકલ્પનીય ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 324.14નો રહ્યો હતો. વૈભવે પોતાની આ વિસ્ફોટક ઇનિંગમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. જોકે, તે માત્ર 6 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની આ ઇનિંગે જ મેચનો વળાંક નક્કી કરી દીધો હતો.

મેચ બાદ વૈભવ સૂર્યવંશીએ શું કહ્યું?

જીત બાદ વાત કરતા વૈભવે જણાવ્યું કે- મેં ક્રિઝ પર જતા પહેલા બહુ વધારે વિચાર્યું નહોતું. મારો એક જ સરળ પ્લાન હતો કે શરૂઆતની પ્રથમ 10 ઓવરોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો અને જે રણનીતિ બનાવીને આવ્યો હતો તેને મેદાન પર યોગ્ય રીતે લાગુ કરવી.

દબાણના પ્રશ્ન પર આપ્યો આ જવાબ

જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું કે, શું તમામ લોકોની નજરો તમારા પર હોવાને કારણે કોઈ પ્રેશર હતું? ત્યારે યુવા સ્ટારે નીડરતાથી કહ્યું- કોઈ જ દબાણ નહોતું. હું બસ એ પ્લાન પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે અગાઉ સક્સેસ નહોતા થઈ રહ્યા. મેં આ વિશે મારા કોચ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના પર સખત મહેનત કરી હતી. આજે એ પ્લાન બરાબર કામ કરી ગયો અને તેનું પરિણામ તમારી સામે છે.

'લોકોને કદાચ આ વાતની ખબર નથી...'

આ સિરીઝમાંથી શું નવું શીખવા મળ્યું તે અંગે વાત કરતા વૈભવે એક રસપ્રદ વાત કહી. તેણે જણાવ્યું કે- મેં આ ટૂર્નામેન્ટમાંથી ઘણું બધું શીખ્યું છે. પરંતુ એક વાત એવી છે જે કદાચ લોકોને ખબર નથી કે હું અગાઉ પણ વનડે ઘણા ફોર્મેટની મેચો રમી ચૂક્યો છું. અહીં અલગ-અલગ પરિસ્થિતિઓ, અલગ-અલગ પિચો અને રમવાની શૈલી થોડી ભિન્ન હતી, પરંતુ એકંદરે આ સિરીઝમાં રમવાની ખૂબ મજા આવી અને અમારા માટે આ એક શાનદાર ટૂર્નામેન્ટ રહી.

વૈભવની આ વિસ્ફોટક ઇનિંગે ભવિષ્યની ભારતીય સિનિયર ટીમ માટે પણ તેના દરવાજા મજબૂતીથી ખખડાવી દીધા છે અને ક્રિકેટ જગતમાં અત્યારે માત્ર તેના જ પાવર-હિટિંગના વખાણ થઈ રહ્યા છે.