વૈભવ સૂર્યવંશી વિવાદમાં; શ્રીલંકન ખેલાડી સાથે મેદાન પર કરી ધક્કામુક્કી, ડેબ્યૂ પહેલા થઈ શકે છે સજા?

ભારત A ના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા A સામેની મેચ બાદ ખેલાડીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. જાણો આ ઘટના બાદ તેની સામે શું કાર્યવાહી થઈ શકે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 16 Jun 2026 07:43 AM (IST)Updated: Tue, 16 Jun 2026 07:43 AM (IST)
vaibhav-suryavanshi-on-field-fight-sri-lanka-a-players-icc-rules-bcci-action

IPL 2026 માં પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ચર્ચામાં આવનાર 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હવે એક વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. 15 જૂન સોમવારના રોજ દામ્બુલા ખાતે ભારત A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચ દરમિયાન વૈભવ મેદાન પર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. સુપર ઓવરમાં ભારત A ની હાર બાદ, વૈભવ અને શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં પરસ્પર ધક્કામુક્કીમાં ફેરવાઈ ગઈ હતી.

ભારતીય ક્રિકેટના આગામી મોટા સ્ટાર તરીકે ઉભરી રહેલો વૈભવ હાલમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરી રહ્યો છે. આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે તેવી પ્રબળ શક્યતા છે, પરંતુ આ ઘટનાએ તેની શાનદાર રમતની વચ્ચે તેની શિસ્ત પર સવાલો ઉભા કર્યા છે.

— Ajay Jadeja (@AjayJadeja171) June 15, 2026

સુપર ઓવરની હાર બાદ મેદાન પર કેવી રીતે ભડકી આ ચિંગારી?

ભારત A અને શ્રીલંકા A વચ્ચેની આ મેચ અત્યંત રોમાંચક રહી હતી, જેનો નિર્ણય અંતે સુપર ઓવર દ્વારા લેવાયો હતો. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા A ની ટીમે 16 રન બનાવ્યા હતા. જીતવા માટે 17 રનના લક્ષ્યાંક સામે ભારત A ની ટીમ માત્ર 9 રન જ બનાવી શકી હતી. વૈભવ સૂર્યવંશીએ સુપર ઓવરમાં 3 બોલનો સામનો કરીને 1 ચોગ્ગા સાથે 6 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.

શ્રીલંકાની જીત બાદ તેમના ખેલાડીઓ મેદાન પર ઉજવણી કરી રહ્યા હતા, જ્યારે ભારતીય કેમ્પમાં નિરાશા હતી. આ દરમિયાન શ્રીલંકા A ના ફાસ્ટ બોલર કુગાથસ માથુલન દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીને કારણે વૈભવનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

કેમેરામાં કેદ થઈ ધક્કામુક્કી, સિનિયર ખેલાડીએ મામલો શાંત પાડ્યો

ટીવી કેમેરામાં વૈભવ સૂર્યવંશી સ્પષ્ટપણે ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. વીડિયો અનુસાર, તેણે શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો, જેના વળતા જવાબમાં તે ખેલાડી પણ વૈભવ તરફ આગળ વધ્યો હતો. મેદાન પર મામલો ગંભીર બનતો જોઈ શ્રીલંકાના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન નિરોશન ડિકવેલાએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. ડિકવેલાએ બંને ખેલાડીઓને અલગ કરીને મામલો શાંત પાડ્યો હતો, નહિતર આ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શક્યો હોત.

આ પૂર્વે, સુપર ઓવર દરમિયાન અમ્પાયરના એક નો-બોલના નિર્ણયથી પણ ભારતીય ટીમ નારાજ હતી. કેપ્ટન તિલક વર્મા અસંમત દેખાયા બાદ વૈભવ પણ અમ્પાયર સાથે દલીલ કરવા પહોંચી ગયો હતો. તે સમયે મુખ્ય કોચ હૃષિકેશ કાનિટકરે મેદાન પર આવીને વૈભવને ત્યાંથી દૂર કરવો પડ્યો હતો.

ICC આચારસંહિતા શું કહે છે અને વૈભવ સામે શું કાર્યવાહી થઈ શકે?

આ મામલે મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશદરન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જો તપાસમાં વૈભવ દોષિત સાબિત થશે, તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે.

ICC ના નિયમ 2.12 મુજબ, મેદાન પર કોઈપણ ખેલાડી, અમ્પાયર કે અન્ય વ્યક્તિ સાથે ઇરાદાપૂર્વક અથવા બેદરકારીપૂર્વક અયોગ્ય શારીરિક સંપર્ક કરવો એ આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

શું ટીમ ઈન્ડિયાના ડેબ્યૂ પર કોઈ જોખમ છે?

વૈભવ સૂર્યવંશી માટે રાહતની વાત એ છે કે આ કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય મેચ નહોતી, પરંતુ ભારત-A અને શ્રીલંકા-A વચ્ચેની મેચ હતી. આ કારણે ICC આચારસંહિતા હેઠળ સીધી કડક કાર્યવાહીની શક્યતા ઓછી છે. તેમ છતાં, મેચ રેફરી તેને સત્તાવાર ચેતવણી આપી શકે છે અથવા આર્થિક દંડ ફટકારી શકે છે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના આ અયોગ્ય વર્તન બદલ આંતરિક સ્તરે અલગથી પગલાં લઈ શકે છે.