T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના આયોજન પહેલા ક્રિકેટ જગતમાં એક મોટો તણાવ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ વચ્ચે ચાલી રહેલો તણાવ હવે તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ ICCએ બાંગ્લાદેશને નિર્ણય લેવા માટે 21 જાન્યુઆરી 2026 સુધીની ડેડલાઈન આપી છે. જો બાંગ્લાદેશ આ તારીખ સુધીમાં ભારત આવવા માટે તૈયાર નહીં થાય તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.
મુસ્તફિઝુર રહેમાન અને સુરક્ષાનો મુદ્દો
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં અને ભારતીય ધરતી પર ખેલાડીઓની સુરક્ષાનું કારણ આપીને બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઈન્કાર કરી દીધો હતો. બાંગ્લાદેશની માંગ હતી કે તેમની મેચોને શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે, જોકે ICCએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ ખતરો નથી.
સ્થળ બદલવાની બાંગ્લાદેશની યોજના નિષ્ફળ
પોતાની વાત મનાવવા માટે બાંગ્લાદેશે ICC સમક્ષ એક અનોખો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે તેમના ગ્રુપને આયર્લેન્ડ સાથે બદલી દેવામાં આવે, જેથી તેઓ તેમના ગ્રુપ સ્ટેજની તમામ મેચો શ્રીલંકામાં રમી શકે. પરંતુ ICCએ આ માંગને ફગાવી દીધી છે. પરિષદનું માનવું છે કે ટિકિટ વેચાણના બે તબક્કા પૂરા થઈ ચૂક્યા છે, તેથી સ્થળ બદલવું અશક્ય છે.
સ્કોટલેન્ડને મળી શકે છે વર્લ્ડ કપમાં એન્ટ્રી
જો બાંગ્લાદેશ 21 જાન્યુઆરીની ડેડલાઈન સુધીમાં ભારતમાં રમવા તૈયાર નહિ થાય તો વર્લ્ડ કપમાં તેમની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવી શકે છે. હાલના રેન્કિંગના આધારે સ્કોટલેન્ડ આ રેસમાં સૌથી આગળ છે. આનો અર્થ એ છે કે બાંગ્લાદેશની એક જીદ તેને એક પણ મેચ રમ્યા વિના ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે.
