T20 World Cup 2026 Wicket Takers List: રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વાર અને કુલ ત્રીજી વાર ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે પોતાના ટાઈટલનો બચાવ કર્યો હોય અને યજમાન હોવા છતાં ટ્રોફી જીતી હોય. આ ઐતિહાસિક સફળતા પાછળ બોલરોનું મોટું યોગદાન રહ્યું છે.
ટોપ-5 વિકેટ લેનારા બોલરોની વિગતવાર યાદી:
1) જસપ્રીત બુમરાહ (નંબર-1):
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો છે. ફાઈનલમાં તેણે 4 મહત્વની વિકેટો ઝડપીને ન્યુઝીલેન્ડની હાર નક્કી કરી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. બુમરાહે 8 મેચમાં માત્ર 6.21 ની અત્યંત કરકસરયુક્ત ઇકોનોમી સાથે 14 વિકેટો લીધી છે. 'બૂમ-બૂમ' બુમરાહ ફરી એકવાર સાબિત કર્યું કે તે વિશ્વનો નંબર-1 બોલર કેમ છે.
2) વરુણ ચક્રવર્તી (નંબર-2):
ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી આ યાદીમાં બીજા સ્થાને છે. જોકે તેની ઇકોનોમી થોડી વધારે રહી છે, પરંતુ નિર્ણાયક સમયે વિકેટ લેવાની તેની ક્ષમતાએ ભારતને ઘણી મેચો જીતાડી છે. ફાઈનલમાં પણ તેણે એક વિકેટ ઝડપી હતી. તેણે 9 મેચમાં 14 વિકેટો પોતાના નામે કરી છે.
3) શેડલી વાન શાલ્કે (અમેરિકા):
આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ અમેરિકાના શેડલી વાન શાલ્કેનું છે. અમેરિકન ટીમ પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હોવા છતાં, તેણે માત્ર 4 મેચમાં 13 વિકેટ ઝડપીને બધાને ચોંકાવી દીધા હતા. તેનો સ્ટ્રાઈક રેટ આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ રહ્યો હતો.
4) બ્લેસિંગ મુઝારાબાની (ઝિમ્બાબ્વે):
ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર મુઝારાબાનીએ પોતાની ઊંચાઈ અને ગતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ઝિમ્બાબ્વે સુપર-8 સુધી પહોંચ્યું તેમાં તેનો મોટો ફાળો હતો. તેણે 6 મેચમાં 13 વિકેટો ઝડપીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
5) આદિલ રશીદ (ઇંગ્લેન્ડ):
ઇંગ્લેન્ડના અનુભવી લેગ-સ્પિનર આદિલ રશીદે ફરી એકવાર પોતાની ફિરકીનો જાદુ ચલાવ્યો હતો. ઇંગ્લેન્ડ સેમિફાઇનલ સુધી પહોંચ્યું તેમાં રશીદની વિકેટ લેવાની આદત મુખ્ય હતી. તેણે 8 મેચમાં 13 વિકેટો ઝડપીને ટોપ-5 માં સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડ કપ 2026માં ભારતે બેટિંગમાં તો ધમાલ મચાવી જ હતી, પરંતુ જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી જેવા બોલરોએ વિરોધી ટીમોને રન બનાવવા માટે તરસી દીધા હતા. ખાસ કરીને બુમરાહની બોલિંગે સાબિત કર્યું કે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં પણ બોલિંગ કેવી રીતે મેચ જીતાડી શકે છે.
