T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મેદાન પર જેટલા કુશળ છે, તેટલી જ વૈવિધ્યતા તેમના શૈક્ષણિક જીવનમાં પણ જોવા મળે છે. ચાલો જાણીએ ખેલાડીવાર તેમના અભ્યાસની વિગતો:
વરુણ ચક્રવર્તી (સૌથી વધુ શિક્ષિત)
વરુણ ચક્રવર્તી ભારતીય ટીમનો સૌથી વધુ ભણેલો ખેલાડી છે. તેણે ચેન્નાઈની SRM યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતક (Bachelor of Architecture) ની ડિગ્રી મેળવી છે. ક્રિકેટમાં પૂર્ણ સમય આપતા પહેલા તે પ્રોફેશનલ આર્કિટેક્ટ તરીકે નોકરી પણ કરી ચૂક્યો છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મુંબઈની એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને મુંબઈની પિલ્લાઈ કોલેજમાંથી બી.કોમ. (B.Com) ની ડિગ્રી મેળવી છે.
વોશિંગ્ટન સુંદર
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ચેન્નાઈની સેન્ટ બેડેની એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ચેન્નાઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી BBA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
અક્ષર પટેલ
ગુજરાતના નડિયાદનો અક્ષર પટેલ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતો. તે એન્જિનિયર બનવા માંગતો હતો અને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ માત્ર 9મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. વડોદરાની એમકે હાઈસ્કૂલમાં ભણતી વખતે તેણે નક્કી કર્યું હતું કે તે ક્રિકેટમાં જ આગળ વધશે, તેથી તેણે ૯મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો.
રિંકુ સિંહ
રિંકુ સિંહનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. તે માત્ર 8મું ધોરણ પાસ છે. 9મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા બાદ તેણે શાળા છોડી દીધી હતી. જોકે, આજે તેની રમતની સફળતાને કારણે તે ઉત્તર પ્રદેશમાં અધિકારીનું પદ સંભાળે છે.
જસપ્રીત બુમરાહ
બુમરાહની માતા પોતે પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. તેણે અમદાવાદની વસ્ત્રાપુર સ્થિત નિર્માણ હાઈસ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ઈશાન કિશન
પટનાની ડીપીએસ સ્કૂલ અને ત્યારબાદ પટનાની કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
અર્શદીપ સિંહ
ચંડીગઢની એસ ડી કોલેજ-32 માંથી બીએ (B.A) ની ડિગ્રી મેળવી છે.
કુલદીપ યાદવ
કાનપુરની કરમ દેવી મેમોરિયલ એકેડેમીમાં અભ્યાસ કર્યો છે અને તે 12મા ધોરણ સુધી ભણેલા છે.
અભિષેક શર્મા
દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી ૧૨મું પાસ કર્યા બાદ અમૃતસરની ડીએવી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
તિલક વર્મા
હૈદરાબાદની ભારતીય વિદ્યા ભવન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તે ભણવામાં ખૂબ હોશિયાર હતો.
સંજુ સેમસન
દિલ્હીની રોઝરી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
શિવમ દુબે
મુંબઈની હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે.
આમ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માત્ર બેટ અને બોલથી જ નહીં, પણ બુદ્ધિશક્તિમાં પણ કોઈનાથી ઉતરતા નથી.
