ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘરવાપસી, 12 કરોડનો ફટકો અને યુવરાજ સિંહ બનશે કોચ

આઇપીએલ 2027 માટે ઋષભ પંત દિલ્હી કેપિટલ્સમાં પાછા ફરશે, જોકે તેને 12 કરોડ રૂપિયાનો આર્થિક ફટકો પડશે. આ ડીલમાં કુલદીપ યાદવ લખનઉ જશે અને યુવરાજ સિંહ દિલ્હીના બેટિંગ કોચ બનશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 19 Jun 2026 11:53 PM (IST)Updated: Sat, 20 Jun 2026 12:06 AM (IST)
rishabh-pants-dc-return-for-ipl-2027-12-cr-loss-yuvraj-coach

IPL 2027: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની આગામી સીઝન શરૂ થાય તે પહેલાં ક્રિકેટ જગતમાં એક બહુ મોટી ટ્રેડ ડિલ થવાના સંકેતો મળી રહ્યા છે. આ અહેવાલો અનુસાર, વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ફરી એકવાર પોતાની જૂની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (DC)માં પરત ફરી શકે છે. જોકે, આ ઘર વાપસી માટે પંતે આર્થિક રીતે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે.

પંત દિલ્હીમાં અને કુલદીપ યાદવ લખનઉમાં!

આઇપીએલ ઇતિહાસના સૌથી મોટા ટ્રેડ અંતર્ગત ઋષભ પંતના દિલ્હી પરત ફરવાના બદલામાં દિલ્હી કેપિટલ્સ તેમના સ્ટાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને સોંપી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ફ્રેન્ચાઇઝી હાલમાં આ મેગા ડીલની કાનૂની અને ઔપચારિક પ્રક્રિયાઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આ ટ્રેડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સત્તાવાર મંજૂરી માટે મોકલવામાં આવશે.

પંતને કેટલા કરોડનું નુકસાન થશે?

આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદાયેલા ઋષભ પંતને વર્ષ 2025ની મેગા હરાજીમાં લખનઉ સુપર જાયન્ટ્સે રેકોર્ડબ્રેક 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સમાં જોડાવા માટે પંતે મોટો આર્થિક આંચકો સહન કરવો પડશે. અહેવાલોનું માનીએ તો, દિલ્હીની ટીમમાં સામેલ થવા પર તેને માત્ર 15 કરોડ રૂપિયા જ મળશે. આમ, દિલ્હી તરફથી રમવા માટે પંત સીધેસીધું 12 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે.

ફ્લોપ શો બાદ પંતે છોડી હતી લખનઉની કેપ્ટનશિપ

આઇપીએલ 2026ની સીઝન લખનઉ સુપર જાયન્ટ્સ માટે અત્યંત નિરાશાજનક રહી હતી અને ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે દસમા સ્થાને રહી હતી. આ ખરાબ પ્રદર્શન બાદ, આઇપીએલ 2026ની ફાઇનલ મેચના બરાબર બે દિવસ પહેલા જ ઋષભ પંતે એલએસજી (LSG) મેનેજમેન્ટને કેપ્ટનશિપ છોડવાની પોતાની ઈચ્છા જણાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે લખનઉની ટીમ વર્ષ 2024 અને 2025માં સાતમા સ્થાને રહી હતી અને 2026માં છેલ્લે રહી હતી. ટીમના ડિરેક્ટર ટોમ મૂડીએ પણ છેલ્લી મેચ બાદ સંકેત આપ્યા હતા કે ફ્રેન્ચાઇઝી નેતૃત્વમાં ફેરફાર કરીને એક નવી શરૂઆત કરવા માંગે છે.

દિલ્હી કેપિટલ્સ જ કેમ બની પંતની પહેલી પસંદ?

લખનઉથી અલગ થવાના સમાચાર વચ્ચે ઋષભ પંતનો સંપર્ક અન્ય બે મોટી ફ્રેન્ચાઇઝીઓએ પણ કર્યો હતો, જેમાંથી એક ટીમ એવી પણ હતી જે એક કરતાં વધુ વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે. તેમ છતાં, પંતે દિલ્હી કેપિટલ્સને જ પ્રાથમિકતા આપી છે, કારણ કે તેણે પોતાની આઇપીએલ કરિયરની શરૂઆત આ જ ટીમથી કરી હતી અને ત્યાં તેની ઘર જેવી લાગણી જોડાયેલી છે.

યુવરાજ સિંહ બનશે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

દિલ્હી કેપિટલ્સના ફેન્સ માટે અન્ય એક મોટા અને ખુશખબર પણ સામે આવ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને સિક્સર કિંગ યુવરાજ સિંહ આઇપીએલ 2027 સીઝનથી દિલ્હી કેપિટલ્સના નવા બેટિંગ કોચ તરીકે જોડાવા માટે સંપૂર્ણ તૈયાર છે. આઇપીએલના વર્તુળોમાંથી શુક્રવારે આ માહિતી કન્ફર્મ થઈ છે.

yuvraj singh delhi

મેન્ટર તરીકે યુવરાજનો શાનદાર ટ્રેક રેકોર્ડ

2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપના 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહેલા યુવરાજ સિંહે છેલ્લા કેટલાક સમયથી યુવા ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વિશ્વના નંબર વન ટી-20 બેટ્સમેન અભિષેક શર્માના પર્સનલ મેન્ટર તરીકે અદભુત કામ કર્યું છે. તાજેતરમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઋષભ પંતે પોતે પણ યુવરાજ સિંહની સલાહ લીધી હતી.

કોચ તરીકે યુવરાજ સિંહની આ આઇપીએલમાં પ્રથમ ઇનિંગ હશે. આ પહેલાં તે 2019માં મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાની છેલ્લી આઇપીએલ મેચ એક ખેલાડી તરીકે રમ્યો હતો. હવે તે દિલ્હીના ડગઆઉટમાં રહીને પંત અને દિલ્હીના ખેલાડીઓને સિક્સરો ફટકારવાના પાઠ ભણાવતો જોવા મળશે.