India vs Afghanistan Test Day 2 Stumps: ભારતનું વર્ચસ્વ યથાવત, ડેબ્યુટન્ટ માનવ સુથારના સ્પિન જાદુમાં ફસાયું અફઘાનિસ્તાન મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યા બાદ, બીજા દિવસે ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 113 રન છે અને ટીમ હજુ પણ ભારતથી 451 રન પાછળ છે.
ભારતીય બેટ્સમેનોનો કમાલ
મેચની શરૂઆત ભારતના મજબૂત સ્કોર સાથે થઈ હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 126 રનની ઈનિંગ રમી હતી, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સદી ચૂકી ગયા હોવા છતાં 81 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. નીચલા ક્રમમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર અડધી સદી (52*) ફટકારી હતી. આ ઉપરાંત, ડેબ્યુ કરી રહેલા માનવ સુથારે 28 રન અને મોહમ્મદ સિરાજે ઝડપી 22 રન બનાવી ભારતને 564/8 ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું, ત્યારબાદ ભારતીય કેપ્ટને દાવ ડિકલેર કર્યો હતો. અફઘાનિસ્તાન માટે મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ ઝડપી હતી.
માનવ સુથારનું ડેબ્યુ પર શાનદાર પ્રદર્શન
ભારતના યુવા સ્પિનર અને ડેબ્યુટન્ટ માનવ સુથારે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સૌને પ્રભાવિત કર્યા હતા. સુથારે અફઘાનિસ્તાનના મહત્વના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. તેણે પોતાના પ્રથમ ઓવરમાં જ અબ્દુલ મલિકને આઉટ કરીને શાનદાર શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે રહેમાનુલ્લા ગુરબાજ અને અફસર જઝઈને પણ પોતાના સ્પિન જાળમાં ફસાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ ઉત્કૃષ્ટ બોલિંગ કરતા 2 વિકેટ મેળવીને અફઘાનિસ્તાન પર દબાણ બનાવી રાખ્યું હતું.
રહમત શાહનો સંઘર્ષ
અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહ એક છેડે મક્કમતાથી ટકી રહ્યો છે અને તે 43 રન બનાવીને અણનમ છે. બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે 451 રનની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. ત્રીજા દિવસે ભારતની નજર અફઘાનિસ્તાનને વહેલી તકે ઓલઆઉટ કરીને મેચ પર પકડ મજબૂત કરવા પર રહેશે.
Stumps on Day 2️⃣
A fantastic bowling effort led by debutant Manav Suthar's 3️⃣ wickets 👏
We will begin Day 3 with #TeamIndia ahead by 451 runs 💪
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/BOIhdoFz8W
