IND vs AFG: અફઘાની વાઘ સામે ભારતીય સિંહોની ગર્જના, ODI સિરીઝમાં ભારતની અજેય બઢત

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 170 રનથી કચડી નાખ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 18 Jun 2026 11:01 AM (IST)Updated: Thu, 18 Jun 2026 11:01 AM (IST)
india-beat-afghanistan-by-170-runs-in-2nd-match-ind-vs-afg-odi-series-won

IND vs AFG 2nd ODIલખનઉમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 170 રનથી કચડી નાખ્યું છે. આ સાથે જ ભારતે 3 મેચની વનડે સિરીઝમાં 2-0 ની અજેય બઢત બનાવી લીધી છે. કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદી સાથે ભારતે 402 રનનો સ્કોર બનાવ્યો. જેેના સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 232 રન પર જ સમેટાઈ ગઈ હતી.

ભારતની સારી શરૂઆત, હિટમેન અડધી સદીથી ચૂક્યો

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બીજી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ 4 રન સાથે સસ્તામાં આઉટ થયો, જે બાદ શુભમન ગિલે રોહિત શર્મા સાથે મળીને બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. જોકે, રોહિત શર્મા પણ રાશિદ ખાનના બોલ પર 48 રનના સ્કોરે આઉટ થયો અને માત્ર 2 રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો.

શુભમન ગિલ અને ઈશાન કિશનની ઐતિહાસિક સદી

રોહિત શર્માના આઉટ થયા બાદ ઈશાન કિશન ક્રીઝ પર આવ્યો અને તેણે શુભમન ગિલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે માત્ર 141 બોલમાં 224 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવી હતી.

  • શુભમન ગિલ: શુભમન ગિલે વનડે કેપ્ટન તરીકે પ્રથમ સદી નોંધાવી. તેણે 22 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 154 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
  • ઈશાન કિશન: ઈશાન કિશને માત્ર 71 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા. તેણે અફઘાનિસ્તાન સામે સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો, સાથે જ વનડેમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા.

બંને ખેલાડીની વિસ્ફોટક બેટિંગના આધારે ભારતે ઇકાના સ્ટેડિયમમાં પહેલીવાર 400 રનનો આંકડો પાર કર્યો. જોકે, ભારતીય ટીમ 49.5 ઓવરમાં 405 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનની કારમી હાર, 232 રન પર સમેટાઈ ટીમ

403 રનના વિશાળ લક્ષ્યને ચેઝ કરવા મેદાને ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત સંતુલિત રહી હતી. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝાદરાને 52 રન જોડ્યા હતા. પરંતુ ગુરનૂર બરારે ગુરબાઝને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી અને પછી અફઘાની બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી ગયા. ડેબ્યૂ મેચ રમી રહેલા પ્રિન્સ યાદવે પણ નાનગેલિયા ખરોટીને આઉટ કરીને પોતાની કારકિર્દીની પહેલી વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાન તરફથી માત્ર રહેમત શાહ એક છેડે ઊભો રહ્યો અને તેણે સંઘર્ષ કરતા અડધી સદી ફટકારી, પરંતુ તેને કોઈ અન્ય ખેલાડીનો સાથ મળ્યો ન હતો. દર્વિશ રસૂલીને ઈજા થવાના કારણે તે બેટિંગ માટે મેદાન પર ન આવી શક્યો, પરિણામે 9 વિકેટ પડવા છતાં ભારતે મેચ પોતાના નામે કરી લીધી. અફઘાનિસ્તાનની ઇનિંગ 232 રન પર સમેટાઈ ગઈ અને ભારતે 170 રનથી એક યાદગાર જીત નોંધાવી.