Loading...

VIRAL VIDEO: 'માતાનું બાળપણનું સપનું સાકાર, દીકરાએ જિંદગીની સૌથી મોટી સરપ્રાઈઝ આંખો સમક્ષ હાજર કરતાં ખુશીથી આંખો છલકાઈ ઉઠી'

એક દીકરો પોતાની માતાને જિમમાં લઈને જાય છે, ત્યારે જ સામેથી સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ક્રિકેટર જોન્ટી રોડ્સ એન્ટ્રી મારે છે, જેને જોઈને માતા થોડી ક્ષણ માટે અવાચક થઈ જાય છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Mar 2026 09:40 PM (IST)Updated: Sat 21 Mar 2026 09:40 PM (IST)
viral-video-son-surprises-mother-by-introducing-her-to-her-childhood-cricket-hero-jonty-rhodes-712796
HIGHLIGHTS
  • સોશિયલ મીડિયામાં માતા-પુત્રના સરપ્રાઈઝ પ્લાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • પોતાના બાળપણના ક્રશને નજર સામે નિહાળી માતાની અંદરની બાળકી બોલી ઉઠી 'My Hero'

VIRAL VIDEO: સોશિયલ મીડિયામાં અવારનવાર એવા વીડિયો વાયરલ થતાં રહે છે, જેને જોઈને તમારું મન ભરાઈ જાય છે. આવો જ એક ભાવુક કરી નાંખતો વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દીકરો પોતાની માતાનો વર્ષો જૂનું સપનું સાકાર કરી રહ્યો છે. પોતાના બાળપણના ક્રશને નજર સામે નિહાળીને માતાની આંખો પણ છલકાઈ ઉઠે છે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @Harshit Chajjed દ્વારા પોતાના પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે પોતાની માતાને તેમના બાળકના ક્રિકેટ હીરો સાથે મળવા લઈ જવા માટે સરપ્રાઈઝ પ્લાન કરે છે. ખાસ વાત એ છે કે, દીકરાએ છેલ્લી ઘડી સુધી માતાને સહેજ અણસાર પણ આવવા નહતો દીધો.

જિમમાં જિંદગીની સૌથી મોટી સરપ્રાઈઝ મળતા મહિલાની આંખો છલકાઈ

વીડિયોમાં જોઈ શકાય છે કે, દીકરો પોતાની માતાને જિમમાં લઈને જાય છે. આ સમયે માતાને સહેજ પણ ખબર નથી હોતી કે, બીજી જ ઘડીએ તેની સામે કોણ આવીને ઉભુ રહેવાનું છે. જેની માતા જિમમાં એન્ટ્રી મારે છે, તે સાથે સામેથી સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ક્રિકેટર જૉન્ટી રોડ્સ પધારે છે.

વીડિયોની શરૂઆતમાં યુવક કહેતો સંભળાય છે કે, મેં મારી માતાને રડાવી દીધી, જ્યારે મે તેને સરપ્રાઈઝ આપી. જેવી માતાની નજર જોન્ટી રોડ્સ પર પડે છે, તેવી જ તે થોડી ક્ષણો માટે અવાચક થઈ જાય છે. જે બાદ ખુશ થઈને ઉછળી પડતા બોલી ઉઠે છે કે, 'માય હીરો'.

જોન્ટી રોડ્સ આગળ આવીને મહિલાને ભેટી પડે છે, તે સાથે આ ક્ષણ એક યાદગાર બની જાય છે. આ અંગે માતાએ જણાવ્યું કે, તે 15 વર્ષની હતી, ત્યારથી જોન્ટી રોડ્સની મોટી ફેન રહી છે. જ્યારે પુત્ર પણ કહે છે કે, મારી માતા માત્ર બે જ ક્રિકેટરની વાતો કરતી રહે છે. એક સચિન તેંડુલકર અને બીજો જોન્ટી રોડ્સ. આ મુલાકાત દરમિયાન જોન્ટી રોડ્સે પણ મહિલા સાથે વાતચીત કરી અને પછી જર્સી પર ઑટોગ્રાફ પણ આપ્યો.

આ વીડિયો જોનારા ઘણાં યુઝર્સ પણ ભાવુક થઈ રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, હ્રદયસ્પર્શી મૂવમેન્ટ. બીજાએ લખ્યું કે, માતાની અંદર રહેલી એ નાની બાળકી આજે કેટલી ખુશ થઈ હશે, તેની કલ્પના જ કરવી અશક્ય છે. એક યુઝર્સે લખ્યું કે, તેમના અંદરની એક નાની બાળકી હજુ પણ જીવિત છે.