Loading...

Vadodara News: સયાજીગંજમાં મહિલાએ પુરુષને જાહેરમાં લાફા ઝીંક્યા, બેફામ ગાળો ભાંડી; વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

આ મામલે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 05 Apr 2026 11:55 AM (IST)Updated: Sun 05 Apr 2026 11:55 AM (IST)
vadodara-woman-scolds-and-abuses-man-viral-video-sayajiganj-police-action-722019
HIGHLIGHTS
  • જાહેરમાં મહિલાએ પુરુષને ઝીંક્યા લાફા
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો 
  • સયાજીગંજ પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી

Vadodara Crime News: સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. રસ્તા વચ્ચે એક મહિલા પુરુષને જાહેરમાં લાફા ઝીંકી રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાહેરમાં તમાશો: મહિલાનો ઉગ્ર મિજાજ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અંદાજે એકાદ દિવસ પહેલાંનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક મહિલા અત્યંત ઉગ્ર મિજાજમાં છે, અને રસ્તા પર એક પુરુષને આંતરીને તેને બેફામ ગાળો ભાંડી રહી છે. એટલું જ નહીં, ઉશ્કેરાયેલી હાલતમાં તે મહિલા પુરુષને લાફા પણ મારી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો 

ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન કોઈએ આ તમાશાનો વીડિયો ઉતારી લીધો હતો, જે હવે ઇન્ટરનેટ પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાની સાથે જ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા હતા, જેને પગલે સયાજીગંજ પોલીસ સ્ટેશન તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. 

સયાજીગંજ પોલીસ દ્વારા તપાસનો દોર

સયાજીગંજ પોલીસે આ વીડિયો ચોક્કસ કયા સ્થળનો છે અને તેમાં દેખાતી મહિલા તેમજ પુરુષ કોણ છે તેની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. જોકે, આ હુમલા પાછળનું મુખ્ય કારણ - જેમ કે પારિવારિક ઝઘડો, લેતી-દેતી કે પછી રસ્તા પર થયેલી કોઈ સામાન્ય બોલાચાલી- તે હજુ સુધી અકબંધ છે.

ફરિયાદ અંગે રહસ્ય-પોલીસનું નિવેદન

આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર ઘટના જાહેરમાં બની હોવા છતાં હજુ સુધી કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પોલીસ હાલમાં પોતાની રીતે જ વીડિયોની સત્યતા અને સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. હાલ પૂરતું આ ઘટનામાં 'લેડી ડોન' ના અવતારમાં જોવા મળેલી મહિલાની સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. વીડિયોની સત્યતા તપાસીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક પગલાં લેવાશે". સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ બહાર આવશે.