Loading...

વડોદરામાં લૂંટારુઓનો આતંક: મંદિરમાંથી મહિલાનો અછોડો તૂટ્યો, તાંદલજામાં વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખની લૂંટ

પોલીસ ટીમે તમામ CCTV કેમેરાની તપાસ શરૂ કરી દીધી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 03 Apr 2026 01:07 PM (IST)Updated: Fri 03 Apr 2026 01:07 PM (IST)
vadodara-crime-news-tandalja-robbery-manjalpur-chain-snatching-720782
HIGHLIGHTS
  • વડોદરામાં લૂંટારાઓનો આતંક
  • તાંદલજામાં 3.50 લાખની લૂંટ થઈ
  • માંજલપુરના મંદિરમાં અછોડાતોડ

Vadodara Crime News: સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં એક જ દિવસમાં લૂંટની બે મોટી ઘટનાઓ સામે આવી છે. તાંદલજા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. જ્યારે માંજલપુરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા મહિલા શ્રદ્ધાળુનો અછોડો તોડવાની ઘટના બની છે.

માંજલપુરના મંદિરમાંથી અછોડાતોડ

માંજલપુર વિસ્તારમાં સરસ્વતી પેટ્રોલ પંપ પાસે આવેલા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભીડનો લાભ ઉઠાવીને એક તસ્કરે મંદિરમાં દર્શન કરી રહેલા એક મહિલા શ્રદ્ધાળુને નિશાન બનાવ્યા અને પલકવારમાં તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. માંજલપુર પોલીસે CCTV ફૂટેજ મેળવીને તસ્કરને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

તાંદલજામાં ફિલ્મી ઢબે વેપારીની લૂંટ

બીજી મોટી ઘટના શહેરના તાંદલજા વિસ્તારમાં બની હતી. 'સાહેરી પ્લાય સેન્ટર'નો વ્યવસાય કરતા વેપારી હુસૈન કાઈદભાઈ સાહેરવાલા તેમની દુકાનનું દૈનિક કલેક્શન લઈને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા વચ્ચે દેવદાસ ફાર્મ પાસે આ બનાવ બન્યો હતો.

ત્રણ મોપેડ સવારોએ ફિલ્મી ઢબે ચાલતી એક્ટિવા પર પગ મૂકી વાહન રોક્યું હતું. લૂંટારુઓએ બળજબરીથી વાહનની ચાવી કાઢી લીધી અને એક શખ્સે ચપ્પુ બતાવીને ધમકી આપી ડેકી ખોલાવી હતી. ડરી ગયેલા વેપારીની નજર સામે જ લૂંટારુઓ ડેકીમાંથી 3.50 લાખ રોકડા અને તેમનો મોબાઈલ ફોન પડાવીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ ટીમ દ્વારા તપાસ તેજ

તાંદલજામાં બનેલી આ ઘટના અંગે જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા સુધીના રૂટ પર લાગેલા તમામ CCTV કેમેરાની તપાસ શરૂ કરી દીધી છે. એક જ દિવસમાં આવી બે ઘટના બની છે. પોલીસે અછોડો તોડનાર શખ્સ અને લૂંટારુઓની ત્રિપુટીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે.