Vadodara News: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં મધરાત્રે ફાયરની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી મુજબ કાકાસાહેબ ટેકરા નજીક નવદુર્ગા મંદિર પાસે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસે આરોપીની અટકાયત કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મજબ, વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં GISFમાં ફરજ બજાવતા એક કર્મચારીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ફાયરિંગની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને ફાયરિંગ કરનાર GISFના કર્મચારી રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહને ઝડપી લીધો હતો. પોલીસે બંદૂક અને કારતૂસ કબ્જે કર્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર ઈસમ નશાની હાલતમાં હતો.
આરોપી GISFમાં કાયમી કર્મચારી
પોલીસની વધુની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ વડોદરાના જીએસટીભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.તેમજ તે GISFમાં કાયમી કર્મચારી તરીકે કાર્યરત હતો. આરોપી મૂળ ભરુચનાં જંબુસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ તથા જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપી પાસેથી કબ્જે કરાયેલા હથિયાર અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે. ઘટનાના કારણો અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરામાં થયેલી ફાયરિંગ ઘટનાને લઈને એસીપી અશોક રાઠવાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ GISF નો જવાન હોવાનું સામે આવ્યું છે, જે કુબેર ભવન સ્થિત GST ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેણે 12 બોરની લાયસન્સ ધરાવતી બંધુકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા અટકાયત કરીને સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેની પાસે થી પાંચ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ હથિયારનું લાયસન્સ વર્ષ 2004માં ભરૂચમાંથી લેવાયેલું હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા માટે ભરૂચ સત્તાધિકારીઓને જાણ કરવામાં આવી છે.
