Accident Video Viral: અમેરિકાના ફ્લોરિડામાં એક ચોંકાવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક નાના પ્રાઈવેટ વિમાનનું એન્જિન ફેલ થયા બાદ હાઈવે ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસમાં પુરપાટ જતી કાર સાથે ધડાકાભેર ભટકાઈ ગયું હતુ. આ હચમચાવી નાંખે તેવો અકસ્માત ઘટના સ્થળ પર રહેલા કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના બ્રેવાર્ડ કાઉન્ટીના એક હાઈવે પર ઘટી હતી. આ અંગે બ્રેવાર્ડ કાઉન્ટીના ફાયર રેસ્ક્યુ વિભાગના જણાવ્યા પ્રમાણે, સિંગલ એન્જીન વાળું સેસના 152 પ્લેનમાં બે લોકો સવાર હતા. હવામાં જ વિમાનનું એન્જિન ફેલ થઈ જતાં પાયલટ દ્વારા તાત્કાલિક લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તે સમયે નીચે કોઈ ખુલ્લા મેદાન જેવી જગ્યા ના દેખાતા આખરે પાયલટે હાઈવે પર જ લેન્ડિંગ કરવાનું મુનાસિબ માન્યું.
જો કે લેન્ડિંગ કરતાની સાથે જ વિમાન હાઈવે પર પુરપાટ જતી ટોયોટા કેમેરી કાર સાથે ધડાકાભેર ભટકાયું હતુ. આ ભીષણ ટક્કરના પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા.
આ અકસ્માતમાં કાર ચલાવી રહેલ 57 વર્ષીય મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ખાસ રાહતની વાત એ રહી કે, વિમાનમાં રહેલ પાયલટ અને મુસાફર બન્ને હેમખેમ બહાર નીકળ્યા હતા અને તેમને સહેજ પણ ઈજા નહતી થઈ.
"And boom... front tire just goes right onto the car that's right in front of us. It was so scary."
— Mike Hanson (@MikeWESH_2) December 9, 2025
Jaw-dropping video of the I95 Plane Crash-- @MeghanMoriarty_ talks with the videographer at 4 on @wesh. pic.twitter.com/LuxVoXSNs4
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, હાઈવે પર ટ્રાફિક સામાન્ય રીતે જ પસાર થઈ રહ્યો છે. આ સમયે અચાનક આકાશમાંથી એક નાનું પ્લેન નીચે આવતું દેખાય છે. જેવું પાયલટ વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે નીચેથી પસાર થતી એક કાર સાથે ભટકાઈને ઢસડાવા લાગે છે. આ વીડિયો જોઈને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે.
હાલ તો સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, ક્યા કારણોસર વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું અને લેન્ડિંગ દરમિયાન કાર સાથે કેવી રીતે ટકરાયું. આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે થોડીવારમાં વિમાનનો કાટમાળ હટાવીને હાઈવેને પૂર્વવત શરું કરી દેવામાં આવ્યો હતો.
