Garba Viral Video: કેરળની પ્રખ્યાત કોચી વોટર મેટ્રોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસાફરો ચાલતી મેટ્રોની અંદર પરંપરાગત ગરબા નૃત્ય કરતા નજરે પડે છે. આ ઘટના સામે આવ્યા બાદ ઇન્ટરનેટ યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ સફરને સંસ્કૃતિ અને આનંદની અદભુત ક્ષણ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો જાહેર પરિવહનમાં આ પ્રકારના કૃત્યોની યોગ્યતા અને સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
ગરબાનો આ વીડિયો ક્યાંથી સામે આવ્યો?
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર ક્રિસ્ટિન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, ફોર્ટ કોચી તરફ જઈ રહેલી વોટર મેટ્રોની શાંત સફર અચાનક સંગીત અને ગરબાના સૂરોથી ગુંજી ઉઠી હતી. તેમણે આ ક્ષણને અત્યંત યાદગાર ગણાવી હતી, પરંતુ સાથે જ એક મહત્વનો પ્રશ્ન પણ રજૂ કર્યો કે, શું આને માત્ર એક નિર્દોષ આનંદ તરીકે જોવો જોઈએ કે પછી જાહેર પરિવહનના નિયમોના ઉલ્લંઘન તરીકે?
ચાલતી મેટ્રો બોટમાં ગરબાનો માહોલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક મુસાફરો વોટર મેટ્રોની અંદર ગરબા રમી રહ્યા છે, જ્યારે બાકીના સહ-મુસાફરો પોતાની સીટ પર બેસીને આ નજારો જોઈ રહ્યા છે. મેટ્રોમાં સવાર અમુક લોકો આ માહોલનો આનંદ માણતા દેખાયા હતા, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર આ વીડિયો જાહેર થતાં જ મિશ્ર પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે.
સિવિક સેન્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના નિયમો પર પ્રશ્નાર્થ?
વીડિયો વાયરલ થયા બાદ મોટાભાગના યુઝર્સે સિવિક સેન્સ (Civic Sense) પર ભાર મૂક્યો છે. લોકોનું કહેવું છે કે જાહેર પરિવહન દરેક નાગરિક માટે સમાન છે અને ત્યાં એવું વર્તન ન કરવું જોઈએ જેનાથી અન્ય મુસાફરોને અસુવિધા થાય.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, 'જાહેર પરિવહન એ એક સહિયારી જગ્યા છે, કોઈ પર્ફોર્મન્સ સ્ટેજ નથી. પોતાની અભિવ્યક્તિની સાથે અન્ય લોકોના આરામનો આદર કરવો પણ એટલો જ જરૂરી છે.' જ્યારે અન્ય એક યુઝરે સૂચન આપ્યું કે, 'જો કોઈ વ્યક્તિ નૃત્ય કે ઉજવણી કરવા માંગતી હોય, તો તેણે ખાનગી બોટ અથવા ક્રુઝ ભાડે રાખવી જોઈએ. સરકારી કે જાહેર પરિવહન કોઈની ખાનગી મિલકત નથી.'
કેટલાક યુઝર્સે આપ્યું સમર્થન
બીજી તરફ, તમામ લોકો આ વીડિયોના વિરોધમાં નથી. સોશિયલ મીડિયા પર એક વર્ગ એવો પણ છે જે આ ઘટનાને હકારાત્મક રીતે જોઈ રહ્યો છે. સમર્થન કરનારા યુઝર્સનું માનવું છે કે જો આ નૃત્યથી કોઈ અન્ય મુસાફરને પ્રત્યક્ષ રીતે તકલીફ ન પડી હોય, તો તેમાં કંઈ ખોટું નથી.
