VIDEO: આનંદ મહિન્દ્રાએ શેર કર્યો સૌરાષ્ટ્રના પરંપરાગત 'મણિયારો રાસ'નો મનમોહક વીડિયો, પેઢીઓ વચ્ચેના જોડાણને ગણાવ્યું પ્રેરણાદાયી

Anand Mahindra Viral Video: જાણીતા પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન નૃત્યનો એક સુંદર વીડિયો શેર કર્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 19 May 2026 10:52 AM (IST)Updated: Tue, 19 May 2026 10:52 AM (IST)
anand-mahindra-shares-saurashtra-maniyaro-raas-video

Anand Mahindra Viral Video: સોશિયલ મીડિયા પર પોતાની રસપ્રદ અને પ્રેરણાદાયી પોસ્ટ્સ માટે જાણીતા પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન નૃત્યનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. તેમણે સૌરાષ્ટ્રના પરંપરાગત 'મણિયારો રાસ'નો એક ભાવુક વીડિયો શેર કરીને તેના ખૂબ જ વખાણ કર્યા છે.

આ વીડિયોમાં એક વડીલ (દાદા) ખૂબ જ ઉત્સાહથી પોતાના પૌત્રને મણિયારો રાસના પરંપરાગત સ્ટેપ્સ શીખવતા અને તેની સાથે નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ સ્વીકાર્યું હતું કે જ્યારે આ વીડિયો તેમની ટાઇમલાઇન પર આવ્યો, ત્યારે તે પોતાની જાતને તેને જોતા રોકી શક્યા નહોતા.

— anand mahindra (@anandmahindra) May 18, 2026

'ઊર્જા અને આનંદથી ભરપૂર છે આ પરંપરાગત નૃત્ય'

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લાગણીઓ વ્યક્ત કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું, 'જ્યારે આ ક્લિપ મારી ટાઇમલાઇન પર દેખાઈ, ત્યારે હું શા માટે થોભી ગયો તેની મને ખાતરી નથી. મને શરૂઆતમાં આ નૃત્ય શૈલીનું નામ પણ ખબર નહોતી (જે દેખીતી રીતે જ સૌરાષ્ટ્રની પ્રખ્યાત કલા છે). પરંતુ તેમાં એક દાદા પોતાના પૌત્રને આ નૃત્યના સ્ટેપ્સ શીખવતા જોવા મળે છે. આ નૃત્ય ખરેખર અદ્ભુત છે, જે અદભુત ઊર્જા, ઉત્સાહ અને જીવનથી સભર છે. તે જોઈને કોઈપણ વ્યક્તિને તેમાં જોડાવાનું મન થઈ જાય.'

બદલાતા સમયમાં સાતત્યની ખાતરી

આનંદ મહિન્દ્રાએ આ વીડિયોના ઊંડા અર્થને સમજાવતા આગળ જણાવ્યું કે, આ વીડિયો માત્ર એક નૃત્ય નથી, પરંતુ એક પેઢીથી બીજી પેઢી સુધી પરંપરા, લય અને સ્મૃતિઓના સુંદર સંક્રમણનું પ્રતીક છે. આજના ઝડપથી બદલાતા અને અનિશ્ચિત સમયમાં, આ પ્રકારના દ્રશ્યો મનને એક અનોખો દિલાસો અને માનસિક શાંતિ આપે છે. તે આપણને ખાતરી અપાવે છે કે સમય ગમે તેટલો બદલાય, પણ આપણી સંસ્કૃતિ અને મૂળભૂત મૂલ્યો હંમેશા અકબંધ રહેશે.