Women Reservation Bill Updates: ભારતીય લોકશાહીના ઇતિહાસમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક અત્યંત મહત્વનું સીમાચિહ્ન અંકિત થયું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યા બાદ, 'નારી શક્તિ વંદન અધિનિયમ, 2023' હવે સમગ્ર દેશમાં કાયદાકીય રીતે અમલમાં આવી ગયો છે. આ કાયદો લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા (એક તૃતીયાંશ) બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે.
નોટિફિકેશન જાહેર કર્યું
કેન્દ્રીય કાયદા મંત્રાલયે ગુરુવારે મોડી સાંજે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, 16 એપ્રિલ 2026ની તારીખને આ કાયદાના અમલીકરણ માટેના દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, "બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની કલમ 1ની પેટા-કલમ (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર ૧૬મી એપ્રિલ, ૨૦૨૬થી આ કાયદાની તમામ જોગવાઈઓને અમલી બનાવવાની જાહેરાત કરે છે."
સંસદમાં આ કાયદાના અમલના સમયગાળા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા લેવાયેલું આ પગલું અત્યંત સૂચક માનવામાં આવી રહ્યું છે. અટકળો એવી પણ છે કે કાયદાકીય ટેકનિકલ ગૂંચવણો ટાળવા અને આ ઐતિહાસિક સુધારાને સુરક્ષિત રાખવા માટે આ ત્વરિત નિર્ણય લેવાયો છે.
અમલીકરણ અને સીમાંકનનું ગણિત જાણો
જોકે, કાયદો અમલમાં આવ્યો હોવા છતાં તેનો પ્રત્યક્ષ લાભ મેળવવા માટે મુસાફરોએ (વિદ્યાર્થીઓ અને નાગરિકોએ) થોડી રાહ જોવી પડશે. આ કાયદાની જોગવાઈઓ મુજબ, મહિલા અનામતનો અમલ નવી વસ્તી ગણતરી અને ત્યારબાદની સીમાંકન (Delimitation) પ્રક્રિયા સાથે જોડાયેલો છે. આગામી વસ્તી ગણતરી 2027માં થવાની શક્યતા છે. વસ્તી ગણતરીના આંકડાના આધારે બેઠકોનું નવું સીમાંકન કરવામાં આવશે. જૂના નિયમો મુજબ આ પ્રક્રિયા પૂર્ણ થતા 2034 સુધીનો સમય લાગી શકે તેમ હતો, પરંતુ હાલમાં સરકાર 2029ની સામાન્ય ચૂંટણીઓમાં જ આ અનામતનો લાભ આપવા માટે પ્રયત્નશીલ છે. આ માટે લોકસભામાં ત્રણ નવા બિલ પર ચર્ચા ચાલી રહી છે, જે આ પ્રક્રિયાને ઝડપી બનાવશે.
રાજકારણમાં સ્ત્રી શક્તિનો ઉદય
સપ્ટેમ્બર 2023માં જ્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેને લગભગ તમામ પક્ષોનો ટેકો મળ્યો હતો. આ કાયદો લાગુ થવાથી લોકસભાની 543 બેઠકોમાંથી અંદાજે 181 બેઠકો મહિલાઓ માટે અનામત બની જશે. તેવી જ રીતે દરેક રાજ્યની વિધાનસભામાં પણ 33 ટકા બેઠકો મહિલા પ્રતિનિધિઓ માટે ફાળવવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અનામત વર્તમાન ગૃહ (ચાલુ ટર્મ) માં લાગુ થશે નહીં, પરંતુ આગામી સીમાંકન બાદ યોજાનારી ચૂંટણીઓમાં તે સંપૂર્ણપણે પ્રભાવી બનશે.
