Women Reservation Bill India: આજે સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને સીમાંકન સહિત 3 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. આ બિલ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ગૃહને સંબોધન કરતા જણાવ્યું કે, ભારતના સંસદીય લોકતંત્રના ઈતિહાસમાં આ એક અગત્યની ક્ષણ છે. આ મહિલા અનામતનો કાયદો આજથી 25-30 વર્ષ પહેલા જ લાગુ કરી દેવાની જરૂર હતી.
દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સામેલ થશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ભારતની સ્વીકૃતિ આપણે અનુભવીએ છીએ. જે આપણા માટે ગૌરવની ક્ષણ છે. હવે આ સમય આપણી પાસે આવ્યો છે. મારું માનવું છે કે, વિકસિત ભારતનો અર્થ માત્ર રેલ, રસ્તા અને આર્થિક પ્રગતિથી નથી. અમે ઈચ્છીએ છીએ કે, વિકસિત ભારતના નિર્માણમાં સૌ કોઈનો સાથ અને સૌના વિકાસનો મંત્ર હોય. દેશની 50 ટકા વસ્તી રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાનો ભાગ બને, તે આજના સમયની માંગ છે.
વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મહિલાઓના વિકાસનો જેમણે-જેમણે વિરોધ કર્યો છે, તેમને મહિલાઓએ માફ નથી કર્યા. 2024ની ચૂંટણીમાં આવું નથી થયું, કારણ કે ત્યારે તમામ પાર્ટીઓની સહમતિથી મહિલા અનામત બિલને પસાર કરવામાં આવ્યું. જેનાથી કોઈને નુકસાન ના થયું, ત્યારે સૌ કોઈ સાથે હતા. આજે હું કહું છું કે, જો સૌ કોઈ સાથે મળીને આ બિલને પસાર કરીશું તો કોઈ એક પાર્ટીને તેનો રાજકીય ફાયદો નહીં થાય. સંસદમાં બેઠેલા સૌ કોઈને તેનો યશ જશે.
રાજકીય જીવનમાં જે કોઈ પ્રગતિ ઈચ્છે છે, તેમણે સ્વીકારીને ચાલવું પડશે કે, છેલ્લા 25-30 વર્ષોમાં લાખો બહેનો લીડર બની ચૂકી છે. આથી જે લોકો આજે વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી તેની કિંમત ચૂકાવવી પડશે.
કેન્દ્ર સરકાર જે 3 બિલ લાવી છે. તેમાં બંધારણ 131મું સંશોધન બિલ, સીમાંકન સંશોધન બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંશોધન બિલ 2026 સામેલ છે. જેમાં 131માં સંશોધન બિલમાં લોકસભાની બેઠકો 850 કરવાનો પ્રસ્તાવ છે, જેમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો થશે. સીમાંકન બિલમાં પરીસિમન આયોગની રચના અને નવી વસ્તી ગણતરીના આધારે બેઠકોનું વિભાજનની જોગવાઈ છે. ત્રીજા બિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના કાયદામાં સંશોધનની જોગવાઈ છે.
