અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થતાં જ ભારત માટે ખુલી ગયો હોર્મુઝનો માર્ગ; ગુજરાતના બંદરે લાંગર્યું પહેલું LNG ટેન્કર

દહેજ બંદર પર એલએનજીથી ચિક્કાર ભરેલા આ જહાજનું સુરક્ષિત આગમન ભારતના ઉર્જા સુરક્ષા ક્ષેત્ર માટે એક બહુ મોટી સિદ્ધિ સમાન છે. 

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Fri, 19 Jun 2026 11:15 AM (IST)Updated: Fri, 19 Jun 2026 11:15 AM (IST)
usiran-deal-impact-strait-of-hormuz-opens-for-india-first-lng-tanker-arrives-at-gujarat-port
us-iran-deal-strait-of-hormuz-opens-lng-tanker-gujarat

Strait of Hormuz Open for India: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારની સકારાત્મક અસરો હવે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતના ઉર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ભારત માટે લાંબા સમય બાદ એક અત્યંત રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા સાડા ત્રણ મહિનાથી સમુદ્રમાં ફસાયેલું લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) વહન કરતું વિશાળ જહાજ 'દિશા' (DISHA) તમામ અવરોધો પાર કરીને આજે, શુક્રવારે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ બંદર પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ગુરુવારે જ આ જહાજે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) સફળતાપૂર્વક પાર કરી લીધી હતી. અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ હોર્મુઝની સરહદ પાર કરીને ભારત પહોંચનારું આ વિશ્વનું સૌપ્રથમ એલએનજી જહાજ બન્યું છે.

62,370 મેટ્રિક ટન ગેસની આવકથી ઉર્જા કટોકટી ટળશે

દહેજ બંદર પર એલએનજીથી ચિક્કાર ભરેલા આ જહાજનું સુરક્ષિત આગમન ભારતના ઉર્જા સુરક્ષા ક્ષેત્ર માટે એક બહુ મોટી સિદ્ધિ સમાન છે. આ એલએનજી ટેન્કર પોતાની સાથે આશરે 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ લાવ્યું છે. આટલા મોટા જથ્થામાં ગેસનો પુરવઠો મળવાને કારણે ભારતીય ઉર્જા બજારને ખૂબ મોટી રાહત મળશે. સમુદ્રમાં સર્જાયેલા તણાવને લીધે છેલ્લા સાડા ત્રણ મહિનાથી ભારતમાં જે સંભવિત ગેસ અને ઉર્જા સંકટના વાદળો મંડરાઈ રહ્યા હતા, તેનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે.

2 માર્ચથી દરિયાની વચ્ચે ફસાયેલું હતું જહાજ

ઉલ્લેખનીય છે કે, 62,370 મેટ્રિક ટન એલએનજી વહન કરતું આ મહત્વપૂર્ણ જહાજ ગત ૨ માર્ચથી દરિયાની વચ્ચે ફસાયેલું પડ્યું હતું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે સૈન્ય અને રાજદ્વારી તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોના લીધે આંતરરાષ્ટ્રીય જળસીમા પર પરિસ્થિતિ એટલી હદે અનિશ્ચિત અને ગંભીર બની ગઈ હતી કે આ જહાજ ક્યારે ભારત પહોંચશે કે પહોંચી શકશે પણ ખરી કે નહીં, તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો.

શાંતિ કરાર બાદ 15 જૂને શરૂ થઈ હતી સફર

લાંબા સમયના ગજગ્રાહ બાદ, આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર મહોર વાગતા જ હોર્મુઝ સ્ટ્રેટનો બ્લોકેજ હટાવી લેવામાં આવ્યો હતો. કરાર પૂર્ણ થતાંની સાથે જ આગામી રોડમેપ હેઠળ આ જહાજ ગત 15 જૂના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આગળ વધ્યું હતું. સાડા ત્રણ મહિનાના લાંબા વિલંબ બાદ આખરે આ જહાજે ભારતીય સરહદમાં પ્રવેશ કરીને દહેજ પોર્ટ પર લંગર નાખ્યું છે. આ સફળતા બાદ આગામી દિવસોમાં ભારત આવનારા અન્ય તેલ અને ગેસના કન્ટેનરો માટે પણ માર્ગ સરળ બનશે અને દેશમાં ઈંધણની કિંમતો કાબૂમાં લાવવામાં મોટી મદદ મળશે.