US-Iran Peace Deal Impact: US-ઈરાન શાંતિ સમજૂતીથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG સહિત સાબુ-દવાઓ પણ થશે સસ્તી! જાણો કેવી રીતે

ભારત પોતાની ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની જરૂરિયાતના આશરે 85% થી વધુ ભાગ વિદેશોમાંથી આયાત કરે છે.

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Fri, 19 Jun 2026 09:58 AM (IST)Updated: Fri, 19 Jun 2026 09:58 AM (IST)
us-iran-peace-deal-impact-petrol-diesel-lpg-price-drop-india
us-iran-peace-deal-impact-india

US-Iran Peace Deal Impact on India: 107 દિવસના લાંબા અને તણાવપૂર્ણ સંઘર્ષ બાદ, વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને મોટી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ બર્ગનસ્ટોક રિસોર્ટ ખાતે એક ઐતિહાસિક શાંતિ વાટાઘાટો માટે સામ-સામે મળવાના છે. આ બેઠક મુખ્યત્વે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારના અમલીકરણ અને ભવિષ્યના રોડમેપ પર કેન્દ્રિત રહેશે. 19 જૂને નિર્ધારિત આ પ્રસ્તાવિત શાંતિ કરાર માત્ર એક મોટી રાજદ્વારી સફળતા જ નથી, પરંતુ ભારત માટે પણ એક મોટો આર્થિક વરદાન સાબિત થવા જઈ રહ્યો છે. આ કરારથી ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો બોજ હળવો થશે અને અનેક રોજિંદી વસ્તુઓ સસ્તી થશે.

પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં થશે ઘટાડો

ભારત પોતાની ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની જરૂરિયાતના આશરે 85% થી વધુ ભાગ વિદેશોમાંથી આયાત કરે છે. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેલ પુરવઠો ખોરવાયો હતો, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા. હવે શાંતિ કરાર થતાં જ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. બજારમાં તેલની ઉપલબ્ધતા વધવાને કારણે કાચા તેલના ભાવ ઝડપથી નીચે આવશે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવી અનિવાર્ય છે.

આ ઉપરાંત, ભારત એલપીજી (LPG) માટે પણ આયાત પર ખૂબ નિર્ભર છે અને તેની લગભગ 88% આયાત આ જ પ્રદેશમાંથી પસાર થાય છે. માર્ગ ખુલ્લો થતાં જ દેશમાં એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે, જેથી સરકાર માટે ગેસના ભાવ સ્થિર રાખવા અને સબીસીડીનો બોજ ઘટાડવો સરળ બનશે. આનો સીધો ફાયદો ઘરેલું ગ્રાહકોને મળશે.

શાકભાજી, ફળો અને ખાદ્ય પદાર્થો થશે સસ્તા

ડીઝલના ભાવ ઘટવાની સીધી અસર પરિવહન ક્ષેત્ર પર પડે છે. ડીઝલનો ઉપયોગ કૃષિ, માલસામાનના પરિવહન અને કોલ્ડ સ્ટોરેજમાં વ્યાપકપણે થાય છે. રાજ્યો વચ્ચે ફળો, શાકભાજી અને અનાજ લાવવા-લઇ જવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે. સાથોસાથ ગલ્ફ દેશોમાંથી આવતા ખાતરો પણ સસ્તા થશે, જેના કારણે એકંદરે તમામ ખાદ્ય પદાર્થોની કિંમતો નીચી આવશે.

રોજિંદી વસ્તુઓ, કપડાં અને ફૂટવેરના ભાવ ઘટશે

ક્રૂડ ઓઇલના ભાવ તૂટવાથી પેટ્રોલિયમ આધારિત કાચો માલ જેમ કે સિન્થેટિક યાર્ન, પ્લાસ્ટિક, રબર અને પેટ્રોકેમિકલ્સ સસ્તા થશે. પરિણામે, સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે જોડાયેલી વસ્તુઓના ભાવો ઘટશે:

 

  • કપડાં અને ફૂટવેર: તૈયાર વસ્ત્રો, સ્પોર્ટસવેર, પડદા, કાર્પેટ અને ફૂટવેર (પગરખાં) ના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં તે સસ્તા બનશે.
  • બ્યુટી પ્રોડક્ટ્સ અને સાબુ: કાચા માલ તરીકે પેટ્રોલિયમનો ઉપયોગ કરતી પ્રોડક્ટ્સ જેવી કે કોલ્ડ ક્રીમ, બોડી લોશન, લિપસ્ટિક, કાજલ તેમજ નહાવાના સાબુ, લોન્ડ્રી પાવડર અને ડિટર્જન્ટના ભાવ ઘટશે. પ્લાસ્ટિક પેકેજિંગ અને કન્ટેનર પણ સસ્તા થશે.
  • ટાયર ઉદ્યોગ: ટાયરના ઉત્પાદનમાં વપરાતું કૃત્રિમ રબર સંપૂર્ણપણે પેટ્રોલિયમ આધારિત હોવાથી, ટાયર અને ઓટો પાર્ટ્સ સસ્તા થવાની પૂરેપૂરી સંભાવના છે.

 

દવાઓ, હવાઈ સફર અને EMI પર મોટી રાહત

આ શાંતિ કરારની અસર મેડિકલ અને ફાયનાન્સ સેક્ટર પર પણ જોવા મળશે. તબીબી ક્ષેત્રે વપરાતી દવાઓ, સિરીંજ, ગ્લુકોઝ બોટલ, મેડિકલ ટ્યુબિંગ, ગ્લોવ્સ અને માસ્ક સસ્તા થશે. બીજી તરફ, કાચું તેલ સસ્તું થવાથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના દર ઘટશે, જેથી એરલાઇન્સ કંપનીઓ હવાઈ ભાડામાં મોટો ઘટાડો કે ડિસ્કાઉન્ટ ઓફર કરી શકશે.

સૌથી મહત્વની વાત એ છે કે, કાચા તેલના ભાવ ઘટવાથી દેશમાં એકંદર ફુગાવાનો દર (મોંઘવારી) નિયંત્રણમાં આવશે. ફુગાવો ઘટતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) માટે વ્યાજ દરો ઘટાડવાનો માર્ગ મોકળો બનશે. આના કારણે ભવિષ્યમાં સામાન્ય લોકોને હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોનના માસિક હપ્તા (EMI) માં મોટી રાહત મળી શકે છે. આમ, આ વૈશ્વિક શાંતિ સમજૂતી ભારતની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં સંજીવની સાબિત થશે.