Loading...

ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષો શ્રીલંકા રવાના; રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હર્ષ સંઘવીએ સન્માનપૂર્વક વિદાય આપી

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા દેવની મોરીમાં ખોદકામ દરમિયાન ક્ષત્રપ કાળના સ્તૂપમાંથી ભગવાન બુદ્ધના આ અવશેષો મળી આવ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 04 Feb 2026 12:45 PM (IST)Updated: Wed 04 Feb 2026 12:46 PM (IST)
sacred-devani-mori-relics-of-lord-buddha-depart-for-sri-lanka-governor-acharya-devvrat-and-harsh-sanghavi-bid-them-farewell-with-reverence-685591

Lord Buddha: બૌદ્ધ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગુજરાતના શામળાજી પાસે આવેલા પ્રાચીન 'દેવની મોરી' સ્તૂપમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષો (Holy Relics) પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર જનતાના દર્શનાર્થે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે.

દિલ્હી એરપોર્ટ પર ભવ્ય વિદાય

દિલ્હી એરપોર્ટ પરથી આ પવિત્ર અવશેષોને શ્રીલંકા લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત આદર અને સન્માનપૂર્વક આ પવિત્ર અવશેષોને પોતાના શીશ પર ધારણ કરી વિમાન સુધી પહોંચાડ્યા હતા. આ પ્રસંગે બૌદ્ધ ભિક્ષુઓના મંત્રોચ્ચાર અને પ્રાર્થનાથી એરપોર્ટનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આચાર્ય દેવવ્રત (રાજ્યપાલ): તેમણે જણાવ્યું કે, "દેવનીમોરી ગુજરાતનું એવું પવિત્ર સ્થળ છે જ્યાંથી આ અવશેષો મળી આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની શ્રીલંકા મુલાકાત દરમિયાન આ અવશેષોનો ઉલ્લેખ કર્યો હતો, જે આજે શ્રીલંકાના ભક્તો માટે દર્શનાર્થે જઈ રહ્યા છે."

હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી): તેમણે આ પ્રવાસને ભક્તિમય ગણાવતા કહ્યું કે, "આ ભગવાન બુદ્ધના સૌથી જૂના અવશેષો છે. આ માત્ર રાજદ્વારી પ્રવાસ નથી પણ આસ્થાનો પ્રવાસ છે. શ્રીલંકામાં લાખો લોકો આ પવિત્ર દર્શનનો લાભ લેશે."

બૌદ્ધ ધર્મનો સહિયારો વારસો

આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદના ડીજી અભિજીત હલદરે આ પ્રસંગે ભારત અને શ્રીલંકાના અતૂટ સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે થરવાદ બૌદ્ધ ધર્મના મૂળ શ્રીલંકામાં છે અને ભારતમાંથી અનેક લોકો પાલી ભાષાના અભ્યાસ માટે શ્રીલંકા જાય છે. આ અવશેષોના પ્રદર્શનથી બંને દેશોના બૌદ્ધ સમાજો વચ્ચેનો સંપર્ક વધુ ગાઢ બનશે.

શ્રીલંકામાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન

આ પવિત્ર અવશેષોને શ્રીલંકાની રાજધાની કોલંબો સ્થિત વિખ્યાત ગંગારામયા મંદિર (Gangaramaya Temple) ખાતે રાખવામાં આવશે. ૫ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન આ પવિત્ર અવશેષોને જાહેર પ્રદર્શન અને દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રથમ અવસર છે જ્યારે 'દેવની મોરી'ના આ અવશેષો ભારતની બહાર કોઈ વિદેશી ધરતી પર લઈ જવામાં આવ્યા હોય.

દેવની મોરીનું મહત્વ

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા દેવની મોરીમાં ખોદકામ દરમિયાન ક્ષત્રપ કાળના સ્તૂપમાંથી ભગવાન બુદ્ધના આ અવશેષો મળી આવ્યા હતા. બૌદ્ધ જગતમાં આ અવશેષોનું મહત્વ અનન્ય છે. ભારત સરકારના આ પગલાથી ભારત અને શ્રીલંકા વચ્ચેના ધાર્મિક અને રાજદ્વારી સંબંધોમાં નવી મજબૂતી આવશે. આ ઐતિહાસિક યાત્રા બંને દેશો વચ્ચેના સહિયારા બૌદ્ધ વારસા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહેશે.