Loading...

Indigo Flight Bomb Threat: પ્લેનમાં બોમ્બ છે… ઈન્ડિગો ફ્લાઈટના ટોયલેટમાંથી ટિશ્યુ પેપર પર મળી ધમકી, લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગો વિમાનના શૌચાલયમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર હાથથી લખાયેલો મેસેજ હતો. આ મેસેજમાં લખ્યું હતું કે પ્લેનમાં બોમ્બ છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sun 18 Jan 2026 03:35 PM (IST)Updated: Sun 18 Jan 2026 03:35 PM (IST)
delhi-to-bagdogra-indigo-flight-bomb-threat-flight-diverted-to-lucknow-676065

Indigo Flight Bomb Threat: દિલ્હીથી બાગડોગરા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સુરક્ષા સંબંધી ખતરાની જાણકારી મળ્યા બાદ ફ્લાઈટને તાત્કાલિક લખનઉ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ટોયલેટમાંથી મળી આવી હાથથી લખેલી ચિઠ્ઠી
સહાયક પોલીસ કમિશનર રજનીશ વર્માના જણાવ્યા અનુસાર વિમાનના શૌચાલયમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર હાથથી લખાયેલો મેસેજ હતો. આ મેસેજમાં લખ્યું હતું કે પ્લેનમાં બોમ્બ છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ વિમાનમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને પ્રોટોકોલ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

એર ટ્રાફિક કંટ્રોલને સવારે 08:46 વાગ્યે પ્લેનમાં ધમકી હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ પ્લેનને લખનઉ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને સવારે 09:17 વાગ્યે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ વિમાનને તાત્કાલિક ટર્મિનલથી દૂર સુરક્ષિત જગ્યામાં પાર્ક કરવામાં આવ્યું હતું. સુરક્ષાકર્મીઓએ વિમાનને ઘેરી લીધું હતું અને બોમ્બ નિરોધક દસ્તા તેમજ CISF ની ટીમો દ્વારા વિમાનની અને મુસાફરોની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

વિમાનમાં બાળકો સહિત 238 લોકો સવાર હતા
આ ફ્લાઈટમાં પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 238 લોકો સવાર હતા. વિગતવાર માહિતી મુજબ પ્લેનમાં 222 પુખ્ત વયના મુસાફરો, 8 બાળકો, 2 પાયલોટ અને 5 કેબિન ક્રૂ સભ્યો હતા. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.