PM Kisan Yojana 23rd Installment: દેશના કરોડો અન્નદાતાઓ માટે શનિવારનો દિવસ મોટી ખુશખબરી લઈને આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) ના 23મા હપ્તાની રકમ સત્તાવાર રીતે 20 જૂનના રોજ જારી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાંથી ડિજિટલ માધ્યમ દ્વારા એક સિંગલ ક્લિકથી દેશભરના પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આ વખતે સરકાર દ્વારા 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુની માતબર નાણાકીય સહાય સીધી મોકલવામાં આવી છે.
પરંતુ, ઘણી વખત એવું બને છે કે સરકાર દ્વારા નાણાં રિલીઝ કરાયા પછી પણ કેટલાક પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2,000 નો હપ્તો તાત્કાલિક જમા થતો નથી. જો તમે પણ આ યોજનાના પાત્ર લાભાર્થી છો અને તમારા ખાતામાં હજુ સુધી પૈસા નથી આવ્યા, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. નીચે દર્શાવેલી બાબતો અને મહત્વપૂર્ણ વિગતો તાત્કાલિક તપાસવી જોઈએ, જેના કારણે તમારો હપ્તો અટકી પડ્યો હોઈ શકે છે.
હપ્તો અટકવાના મુખ્ય કારણો અને તપાસવાની રીત:
બેંક ખાતાની સ્થિતિ તપાસો: સૌ પ્રથમ તમારી બેંક બ્રાન્ચ અથવા ઓનલાઈન બેંકિંગ દ્વારા ખાતું ચેક કરો. ઘણા કિસ્સાઓમાં ખોટી બેંક વિગતો, આઈએફએસસી (IFSC) કોડની ભૂલ અથવા લાંબા સમયથી વ્યવહાર ન થવાને કારણે નિષ્ક્રિય (Inactive) થયેલા ખાતા લીધે ચુકવણી અટકી જતી હોય છે. ખેડૂતોએ ખાતરી કરવી જરૂરી છે કે તેમનું બેંક ખાતું સંપૂર્ણપણે સક્રિય હોય.
e-KYC સ્ટેટસ ખૂબ જ જરૂરી: પીએમ કિસાન યોજનાનો સતત લાભ મેળવવા માટે સરકારે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમના હપ્તા રોકી દેવામાં આવ્યા છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું e-KYC સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકે છે અને બાકી હોય તો પૂર્ણ કરી શકે છે.
આધાર અને બેંક ખાતાનું લિંકિંગ: જો તમારો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક ન હોય, તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) થઈ શકતું નથી. આ ઉપરાંત, જો તમારા આધાર કાર્ડ અને બેંક દસ્તાવેજોમાં નામની જોડણી (Spelling), જન્મ તારીખ કે અન્ય અંગત વિગતોમાં કોઈ વિસંગતતા કે મેળ ખાતો ન હોય, તો પણ પેમેન્ટ અટકે છે, જેને પહેલા સુધારવી અનિવાર્ય છે.
લાભાર્થી યાદી (Beneficiary List) માં નામ જુઓ: ક્યારેક દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ ભૂલ જણાતા સરકારી પ્રક્રિયા હેઠળ નામ યાદીમાંથી અસ્થાયી રૂપે દૂર થઈ શકે છે. તેથી, પીએમ કિસાન વેબસાઈટ પર જઈને લાભાર્થીઓની નવી યાદીમાં તમારું નામ સામેલ છે કે નહીં તેની ખાતરી કરી લો.
ઓનલાઈન પેમેન્ટ સ્ટેટસ ચેક કરો: ખેડૂતો પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર જઈને 'Know Your Status' (તમારી સ્થિતિ જાણો) વિકલ્પનો ઉપયોગ કરીને પોતાના હપ્તાનું લાઈવ સ્ટેટસ જોઈ શકે છે. આનાથી સ્પષ્ટ ખબર પડશે કે હપ્તો પ્રોસેસમાં છે કે કોઈ ચોક્કસ કારણોસર રિજેક્ટ થયો છે.
અહીં નોંધાવો તમારી ફરિયાદ (હેલ્પલાઇન અને ઇમેઇલ):
જો તમારી તમામ વિગતો, આધાર લિંકિંગ અને e-KYC બધું જ બરાબર હોવા છતાં પણ ખાતામાં ₹2,000 જમા ન થયા હોય, તો તમે સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર હેલ્પલાઇન નંબરો અથવા ઇમેઇલ આઈડી પર સંપર્ક કરીને તમારી ફરિયાદ નોંધી શકો છો:
- પીએમ કિસાન હેલ્પલાઇન નંબર: 155261
- ટોલ-ફ્રી નંબર: 1800-115-526
- અન્ય ઓફિસ હેલ્પલાઇન નંબર: 011-23381092
- સત્તાવાર ઇમેઇલ આઈડી: pmkisan-ict@gov.in
ધીરજ રાખવી પણ જરૂરી છે
સરકાર કરોડો ખેડૂતોના ખાતામાં એક સાથે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરતી હોવાથી બેંકના સર્વર પર ભારે લોડ રહે છે. આ ટેકનિકલ પ્રક્રિયાના કારણે દરેક અલગ-અલગ બેંક ખાતામાં પૈસા પહોંચવામાં ક્યારેક થોડા કલાકો અથવા 1 થી 2 દિવસનો સમય લાગી શકે છે. તેથી, યોજનાના તમામ નિયમોનું પાલન કરનારા પાત્ર ખેડૂતોએ થોડી રાહ જોવી જોઈએ, ટૂંક સમયમાં જ ₹2,000 નો હપ્તો તેમના ખાતામાં જમા થઈ જશે.
