Loading...

Republic Day 2026: 26 નવેમ્બરે બંધારણ તૈયાર હોવા છતાં અમલ માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરાઈ? જાણો તેનો રોચક ઈતિહાસ અને મહત્વ

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બંધારણ તૈયાર થઈ ગયું હોવા છતાં તેના અમલ માટે 26 જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? ચાલો જાણીએ આ તારીખ પાછળનો ઐતિહાસિક તર્ક અને મહત્વ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 08 Jan 2026 11:45 AM (IST)Updated: Thu 08 Jan 2026 11:45 AM (IST)
republic-day-2026-why-26-january-is-celebrated-in-india-know-history-theme-history-significance-and-facts-670189

Republic Day 2026 History and Significance | ભારતનો ગણતંત્ર દિવસ: ભારત આ વર્ષે તેનો 77મો પ્રજાસત્તાક દિવસ (Republic Day 2026) ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવા જઈ રહ્યું છે. દેશભરમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ભારતને ભલે 1947 માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હોય, પરંતુ સાચા અર્થમાં દેશ 26 જાન્યુઆરી, 1950 ના રોજ લોકશાહી રાષ્ટ્ર બન્યો, જ્યારે દેશનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બંધારણ તૈયાર થઈ ગયું હોવા છતાં તેના અમલ માટે 26 જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? ચાલો જાણીએ આ તારીખ પાછળનો ઐતિહાસિક તર્ક અને મહત્વ.

બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી જ કેમ?

ઈતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની મુસદ્દા સમિતિએ બંધારણ તૈયાર કર્યું હતું. ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949 ના રોજ જ બંધારણને અપનાવી લીધું હતું. એટલે કે કાયદાકીય રીતે બંધારણ તૈયાર હતું, છતાં દેશે તેના અમલ માટે 2 મહિના રાહ જોઈ અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેને લાગુ કર્યું. આની પાછળ એક ખાસ ઐતિહાસિક કારણ જવાબદાર છે.

'પૂર્ણ સ્વરાજ' નો ઐતિહાસિક સંકલ્પ

આ તારીખ પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ 1930 ના લાહોર અધિવેશન સાથે જોડાયેલું છે. 26 જાન્યુઆરી, 1930 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજો સામે 'પૂર્ણ સ્વરાજ' (સંપૂર્ણ સ્વતંત્રતા) ની ઘોષણા કરી હતી. તે સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દિવસને ભારતની આઝાદીના પ્રતીક તરીકે ઉજવ્યો હતો. આ ઐતિહાસિક દિવસની યાદને કાયમ રાખવા અને સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યોને સન્માન આપવા માટે, બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિવસનું મહત્વ અને ઉજવણી

પ્રજાસત્તાક દિવસ એ ભારતના લોકશાહી મૂલ્યો અને બંધારણીય સર્વોપરિતાનું પ્રતીક છે. આ દિવસ દેશના નાગરિકોને યાદ અપાવે છે કે ભારતનું શાસન કોઈ રાજા કે અંગ્રેજ દ્વારા નહીં, પરંતુ 'લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી' ચાલે છે. તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પણ પર્વ છે.

કર્તવ્ય પથ પર શક્તિ પ્રદર્શન

દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસનું મુખ્ય આકર્ષણ 'કર્તવ્ય પથ' (અગાઉનું રાજપથ) પર યોજાતી પરેડ છે. આ પરેડમાં ભારતીય સેનાના ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ) પોતાની તાકાત અને શિસ્તનું પ્રદર્શન કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત સાથે 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના ટેબ્લો દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ઝાંખી રજૂ કરવામાં આવે છે.