Churma Ladoo: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા દાણાદાર ચુરમાના લાડુ બનાવવાની સિક્રેટ રીત

ગણપતિ બાપ્પાના પ્રિય એવા સ્વાદિષ્ટ અને દાણાદાર ચુરમાના લાડુ ઘરે સરળતાથી કેવી રીતે બનાવવા તેની સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી અહીં જુઓ. ગણેશ ચતુર્થીના નૈવેદ્ય માટે પરફેક્ટ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 17 Jun 2026 03:52 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:52 PM (IST)
secret-recipe-for-granular-churma-ladoo

Churma Ladoo Recipe: તારીખ 18 જૂન 2026 ને ગુરુવારના રોજ જેઠ સુદ ચોથ એટલે કે ગણપતિની પ્રિય તિથિ વિનાયક ચોથ છે, તો બાપ્પાને રાજી કરવા ઘરે જ બનાવો શુદ્ધ ઘી અને ગોળની સુગંધથી મહેકતા પરંપરાગત ચુરમાના લાડુ. આ ખાસ દિવસે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા એકદમ સોફ્ટ, દાણાદાર અને ડ્રાયફ્રુટ્સથી ભરપૂર લાડુ બનાવવાની આસાન સિક્રેટ રીત અહીં જુઓ. આ શુભ ચોથ પર બાપ્પાના ભોગ માટે આ પરફેક્ટ પ્રસાદ તૈયાર કરો.

જરૂરી સામગ્રી

  • ઘઉંનો જાડો લોટ: ૨ કપ
  • ઘી: ૧/૨ કપ
  • ગોળ (ઝીણો સમારેલો): ૧ કપ
  • હૂંફાળું પાણી અથવા દૂધ: લોટ બાંધવા માટે
  • એલચી પાવડર: ૧ ચમચી
  • જાયફળ પાવડર: ૧/૨ ચમચી
  • ખસખસ: ૨ ચમચી
  • કાજુ-બદામના ટુકડા: ૨ ચમચી

બનાવવાની રીત

મુઠિયા તૈયાર કરવા

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો જાડો લોટ લો. તેમાં ૧/૨ કપ ઘીનું મોણ નાખીને બરાબર મિક્સ કરો લોટ હાથમાં ભેગો કરવાથી મુઠ્ઠી વળવી જોઈએ. હવે હૂંફાળા પાણી કે દૂધની મદદથી કઠણ લોટ બાંધી લો. આ લોટમાંથી હાથની આંગળીઓની છાપ પડે તેવા મધ્યમ કદના મુઠિયા તૈયાર કરો.

મુઠિયા તળવા અને પીસવા

એક કડાઈમાં ઘી ગરમ કરો. ધીમાથી મધ્યમ તાપે મુઠિયાને અંદર સુધી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. મુઠિયા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી મિક્સરના મોટા જારમાં અધકચરા પીસી લો. આ ચુરમાને ચાળણીથી ચાળી લો જેથી કોઈ મોટા ટુકડા ન રહે.

ગોળનો પાયો કરવો

હવે એક કડાઈમાં ૨ થી ૩ ચમચી ઘી ગરમ કરો. તેમાં સમારેલો ગોળ ઉમેરો. ગોળ માત્ર ઓગળે અને તેમાં પરપોટા થવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

લાડુ વાળવા

ચુરમાના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કાજુ-બદામ ઉમેરો. ત્યારબાદ તેમાં ગરમ ગોળ-ઘીનું મિશ્રણ રેડીને ચમચાથી બરાબર મિક્સ કરી લો. મિશ્રણ સહેજ નવશેકું થાય એટલે હાથમાં થોડું ઘી લગાવીને મનગમતી સાઈઝના ગોળ લાડુ વાળી લો. છેલ્લે લાડુને ખસખસમાં રગદોળીને ગાર્નિશ કરો.

ખાસ ટિપ: જો લાડુ વાળતી વખતે મિશ્રણ કોરું લાગે, તો થોડું ગરમ ઘી ઉપરથી ઉમેરી શકાય. આ રીતે બાપ્પાના નૈવેદ્ય માટે ટેસ્ટી અને સોફ્ટ ચુરમાના લાડુ તૈયાર છે!