Aloo Paratha Recipe: ના લોટ બાંધવો કે ના વણવાની ઝંઝટ વગર બનાવો ટેસ્ટી બટાકાના પરાઠા, જાણો સૌથી સરળ રેસીપી

લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર માત્ર ૧૦ મિનિટમાં બનાવો ટેસ્ટી આલુ પરાઠા. સવારના નાસ્તા કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ અને સરળ રેસીપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 11 Jun 2026 06:10 AM (IST)Updated: Thu, 11 Jun 2026 06:10 AM (IST)
liquid-dough-aloo-paratha-recipe

Aloo Paratha Recipe: સવારના ભાગદોડવાળા સમયમાં જો ગરમાગરમ આલુ પરાઠા ખાવાનું મન થાય, પણ લોટ બાંધવા અને સ્ટફિંગ કરવાની આળસ આવતી હોય, તો આ "લિક્વિડ આલુ પરાઠા" ઉત્તમ વિકલ્પ છે. તેને તમે બટેટાના મસાલેદાર પુડલા પણ કહી શકો છો. તે ખાવામાં ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ છે.

જરૂરી સામગ્રી:

  • બાફેલા બટેટા: ૩ નંગ
  • ઘઉંનો લોટ: ૧.૨૫ કપ
  • પાણી: આશરે ૨.૨૫ કપ
  • આદુ: ૧ ઇંચનો ટુકડો
  • લીલા મરચાં: ૨ નંગ
  • લીલા ધાણા: ૧/૪ કપ
  • અજમો: ૧ ટીસ્પૂન
  • સફેદ તલ: ૨ ટેબલસ્પૂન
  • ૨ ટીસ્પૂન મીઠું
  • ૧ ટીસ્પૂન આમચૂર પાઉડર
  • ૨-૩ ટીસ્પૂન ચાટ મસાલો
  • ૧ ચપટી હિંગ
  • ૧ ચપટી હળદર
  • ૨ ટીસ્પૂન ધાણાજીરું
  • ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • તેલ અથવા ઘી

બનાવવાની રીત

  • સૌથી પહેલા બાફેલા બટેટાની છાલ ઉતારી લો. બટેટાને હાથથી મેશ કરવાને બદલે ખમણીની મદદથી સરસ ખમણી લો, જેથી તેમાં મોટા ટુકડા ન રહે.
  • તેની સાથે જ ૧ ઇંચ આદુના ટુકડાને પણ ખમણી લો.
  • હવે ખમણેલા બટેટામાં ઝીણા સમારેલા લીલા ધાણા, લીલા મરચાં, અજમો, સફેદ તલ, મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો, હિંગ, હળદર, ધાણાજીરું અને લાલ મરચું ઉમેરો.
  • ત્યારબાદ તેમાં સવા કપ ઘઉંનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. જો લસણ-ડુંગળી ગમતા હોય તો તેની પેસ્ટ પણ ઉમેરી શકાય.
  • હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. આ માપ પ્રમાણે આશરે સવા બે કપ જેટલું પાણી જોઈશે.
  • હવે નોન-સ્ટિક તવાને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેના પર થોડું ઘી કે તેલ લગાવો.
  • જ્યારે બેટર તવા પર ફેલાવવાનું હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવી, જેથી બેટર સરળતાથી ફેલાઈ શકે.
  • એક મોટો ચમચો ભરીને બેટર તવા પર રેડો અને હલકા હાથે ગોળ ફેલાવી દો.
  • પછી પરાઠાને ફેલાવ્યા પછી ગેસની આંચ મીડિયમ કરી લો અને તેના પર ઢાંકણ ઢાંકીને દોઢ મિનિટ સુધી ચડવા દો.
  • જ્યારે ઉપરની સપાટી એકદમ ડ્રાય થઈ જાય, ત્યારે ઉપર થોડું ઘી કે તેલ લગાવો અને ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરો.
  • હવે પરાઠાની કિનારીઓ છોડાવીને તેને સાવધાનીપૂર્વક પલટાવી લો.
  • બીજી બાજુ પણ ઢાંક્યા વગર મીડિયમ ફ્લેમ પર દોઢ થી બે મિનિટ જેવું સરસ ગોલ્ડન સ્પોટ્સ આવે ત્યાં સુધી શેકી લો.
  • જો પરાઠાને વધુ ક્રિસ્પી બનાવવા હોય તો થોડીવાર ધીમા તાપે શેકવા.
  • તૈયાર થયેલા ગરમાગરમ સોફ્ટ લિક્વિડ આલુ પરાઠાને ઠંડા, ઘટ્ટ અને ક્રીમી દહીં સાથે સર્વ કરો.
  • આ સિવાય તમે તેને લીલી ચટણી, ટોમેટો કેચપ કે સવારની ગરમ ચા સાથે પણ માણી શકો છો. બાળકોના લંચ બોક્સ માટે આ એક હેલ્ધી અને ક્વિક રેસિપી છે!