Batata Bhajiya Recipe: ચોમાસાનો પહેલો વરસાદ પડે, માટીની ભીની સુગંધ આવે અને બારી બહાર વીજળીના ચમકારા થાય... ત્યારે દિલમાં એક જ અવાજ થાય: "બસ, આજે તો ગરમાગરમ ભજીયા થઈ જાય! વરસાદી માહોલને જમાવી દેવા માટે સોફ્ટ અને ક્રિસ્પી બટાકાના ભજીયા બનાવવાની એકદમ દેશી અને સરળ રેસીપી આપી છે. ગરમ-ગરમ આદુવાળી ચાની ચુસ્કી અને સાથે લારી જેવા ફૂલેલા ભજીયાનો આ કોમ્બો તમારી ખાવાની ઈચ્છાને તૃપ્ત કરી દેશે. તો રાહ શેની જુઓ છો? આ રેસીપી આજે જ બનાવો અને વરસાદની ખરી મજા માણો!
જરૂરી સામગ્રી
- બટાકા: ૨ થી ૩ (ગોળ પાતળી સ્લાઈસ કરેલા)
- ચણાનો લોટ: ૧.૫ કપ
- ચોખાનો લોટ: ૨ ચમચી
- મરચું પાવડર: ૧ ચમચી
- હળદર: અડધી ચમચી
- હીંગ: એક ચપટી
- અજમો: અડધી ચમચી
- કોથમીર: ઝીણી સમારેલી
- ખાવાનો સોડા: એક ચપટી
- તેલ: તળવા માટે
- મીઠું: સ્વાદ અનુસાર
બનાવવાની રીત
ખીરું તૈયાર કરવું: એક મોટા વાસણમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ચાળી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, હીંગ અને અજમાને હાથથી મસળીને ઉમેરો. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરો.
પાણી ઉમેરવું: હવે લોટમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું કે બહુ જાડું ન હોવું જોઈએ. તેને ૫ મિનિટ માટે એક જ દિશામાં બરાબર ફેંટી લો, જેથી ભજીયા સોફ્ટ બને.
બટાકાની સ્લાઈસ: બટાકાને ધોઈ, છાલ ઉતારીને વેફર જેવી ગોળ પાતળી સ્લાઈસ કરી લો. તેને પાણીમાં ડુબાડી રાખો જેથી તે કાળા ન પડે. તળતી વખતે પાણી નિતારી લેવું.
તળવાની તૈયારી: એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે તૈયાર ખીરામાં એક ચપટી ખાવાનો સોડા અને ૧ ચમચી ગરમ તેલ ઉમેરીને બરાબર હલાવી લો.
ભજીયા તળવા: હવે બટાકાની એક-એક સ્લાઈસને ખીરામાં બોળીને ગરમ તેલમાં મૂકતા જાઓ. ગેસની આંચ મધ્યમ રાખવી. ભજીયા બંને બાજુથી આછા ગુલાબી અને ફૂલી જાય ત્યાં સુધી તળી લો.
સર્વિંગ ટીપ: ગરમાગરમ બટાકાના ભજીયા પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી, તેને તળેલા મરચાં, ફુદીનાની ગ્રીન ચટણી અને ગરમ આદુવાળી ચા સાથે ચોમાસાના વરસાદમાં એન્જોય કરો!
