Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના યુવાન ખેડૂત વિશાલ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ ખુલ્લો કર્યો છે. રાસાયણિક ખાતર અને દવાઓથી દૂર રહી, જમીન અને માનવ આરોગ્યને અનુકૂળ એવી ખેતી કરીને તેઓ દર વર્ષે અંદાજે 5 થી 6 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. મહત્વનું એ છે કે, નફા સાથે તેમને ઝેરીમુક્ત ખોરાક અને સંતોષ પણ મળી રહ્યો છે.
વિશાલ પટેલ રણછોડપુરા ગામે આવેલા પોતાના નવ વિઘા ખેતરમાં બટાકા, કાચા લીલા કેળા અને હળદરની ખેતી કરે છે. શરૂઆતમાં તેઓ ખેતી સાથે સાઇડમાં કામ કરતા હતા, પરંતુ મોટા ભાઈ ધર્મેશભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બાદ હવે સંપૂર્ણપણે ખેતી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વિશાલભાઈ જણાવે છે કે, હાલ બે વિઘામાં બટાકા, છ વિઘામાં કાચા લીલા કેળા અને એક વિઘામાં હળદરનું વાવેતર કર્યું છે. આ વર્ષે બટાકાનું લગભગ 9,000 કિલોગ્રામ અને કેળાનું 14,000 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મળ્યું છે, જેના કારણે સારી આવક થઈ છે. આ સાથે પરિવાર માટે તાજી અને ઝેરીમુક્ત ખાદ્યસામગ્રી પણ મળી રહે છે.
તેઓ ખેતીમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલ જીવામૃત અને ઘનજીવામૃતનો જ ઉપયોગ કરે છે. આ પદ્ધતિથી જમીનની ઉપજાઉ શક્તિ વધે છે, જમીન જીવંત રહે છે અને પાકની ગુણવત્તા પણ સારી મળે છે.

આ વર્ષે વિશાલભાઈએ પ્રથમ વખત હળદરની ખેતીનો પ્રયોગ કર્યો છે અને આશરે 600 કિલોગ્રામ ઉત્પાદન થવાની મજબૂત અપેક્ષા રાખી છે. ભવિષ્યમાં તેઓ સ્ટ્રોબેરી અને પપૈયાની પ્રાકૃતિક ખેતી કરવાની પણ યોજના બનાવી રહ્યા છે.

છેલ્લે વિશાલ પટેલ અન્ય ખેડૂત મિત્રોને સંદેશ આપે છે કે, જો પોતાનું આરોગ્ય, જમીનની તંદુરસ્તી અને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. તેમના મતે પ્રાકૃતિક ખેતીમાં માત્ર નફો જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ મળે છે.
